હ્રદય-સ્ખલન
કલાપીનો કેકારવ
જરા કૈં જાગ્યું'તું વદન મૃદુ એ આ સ્મૃતિ મહીં,હતું અશ્રુ આવ્યું જરી જ નયને એક જ હજી;વહેવા ધારામાં નયન તલપીને ટમટમ્યાં,રહી છાતી કમ્પી મધુર કવિતામાં થડકવા.
હતું ચિત્રે આવ્યું વદન નવ પૂરું રમતમાં,હતા ભાવો પીધા રસમય હજુ ના હ્રદયના;નહીં લ્હાણું કાંઈ પ્રિય વદનનું હું લઈ શક્યો,તહીં હૈયું ફુટી મધુર રસ એ તો ઢળી પડ્યો.
અરે ! રોકી કોઈ સ્ખલન ઉરનું આ નવ શક્યું,ગવાયું ના હુંથી, રુદન કરવું એ નવ બન્યું;ભરાયું તેવું આ તુજ જિગર ખાલી થઈ ગયું,સખી, મિત્રે, કાવ્યે મધુર રસ ના કૈં ધરી શક્યું.
અતિ પ્રીતિની આ મુજ જિગરને રાવ કરવી,ઘટે આંસુડાંમાં જરીક મુજ આ આંખ ઠરવી,જરા રોવા, ગાવા મધુર રસનું અર્પણ થવા,મૃદુ હૈયા! દેજે મુજ સખી પ્રતિ વાત કરવા.
Comentarios
Cargando comentarios…