અમાસ

રાસતરંગિણી

(લાવો હરિ ! મારો હારલો, પહેરી મંદિર જાશું– એ ઢાળ.)

સૂની દિશા સખી શામળી, સૂના આભ ઊંચેરા,સૂને ઉરે રજની રડે મુખ ઘુંઘટ ઘેરા;પ્રીતમજી પરદેશમાં એને હોય શાં હસવાં ?વેળા ભૂંડી વિરહે ભરી તોય વેઠીને વસવાં.

કાળની કાળ૫ કાળજે, ઓઢી કામળી કાળી,એકલડી અલબેલડી ઝૂરે બહાવરી બાળી;ઊંચી થતી વળી આકળી પિયુને નવ પેખે,વહાલપનો વરસાદ એ દિલડે નહિ દેખે.

તરવરતા નવ તારલા હસે હૈયું હસાવા,મુખડું જરી મલકાવતી એનાં હૃદય રીઝાવા;

અંતરની પણ આપદા એ તો એવી ને એવી,વીતકની ઉરવાતડી કોની આગળ કહેવી ?

ડોલે ઘણા ઘરદીવડા સુખસોણલાં જેવા,ઊગી-ઊગી જતા આથમી દુઃખ આખર દેવા;શેાકમાં શોક વધારતી ઘર વાદળી ઘેરી,એક જતાં જગ સામટું વસતું બની વેરી.

વા તણા પણ વિંજણા નહિ તાપ નિવારે,વ્યોમ નદી કેરાં વારિ એ ધડીએ નહિ ઠારે;ક્યાંય ઉજાસ ન આભમાં જીવડો ક્યમ જંપે ?ભાનુ તણા ભણકારથી કુણાં કાળજાં કંપે.

Comments

Loading comments…