જળઝીલણી

રાસતરંગિણી

(નાગર ! ઊભા રહો રંગરસિયા–એ ઢાળ)

આજ આનન્દજળઝીલણી રે,સહિયર ! આવો એ જળ ઝીલવા.ઊછળે અનંત રસરેલ રે, સહિયર ! આવો૦

સાજે સોહાગ સરિતસુન્દરી રે, સહિયર ! આવો૦ઉરમાં તે એક અલબેલ રે. સહિયર ! આવો૦

ચન્દાને ચોક ચડી ચાંદની રે, સહિયર આવો૦આશાભરી ઉભરાય રે; સહિયર ! આવો૦

શીળી શી શારદ રાતડી રે, સહિયર ! આવો૦મીટે–મીટે મલકાય રે. સહિયર ! આવો૦

પ્રીતિને પૂર જગત્‌ઝીલણી રે, સહિયર ! આવો૦સેરે-સેરે નવાં નીર રે; સહિયર ! આવો૦

હૈયે તરંગ રૂડા હિંચતા રે, સહિયર ! આવો૦તેજે ભર્યાં એનાં તીર રે. સહિયર ! આવો૦

વાલ્યમનાં વહાલ વહે વેગથી રે, સહિયર ! આવો૦ભરતી શી ભાવની ભરાય રે, સહિયર ! આવો૦

અમૃતના ઓઘભરી આંખડી રે, સહિયર ! આવો૦મુખડે મીઠાશ નહિ માય રે, સહિયર! આવો૦

એવો પ્રભુજીના પ્રેમને રે સહિયર ! આવો૦સાગર શો છલકાય રે, સહિયર ! આવો૦ઉરની ૨ચાવી રૂડી અંજલિ રે, સહિયર ! આવો૦ઝીલો ઝરણ વહ્યાં જાય રે.સહિયર ! આવો એ જળ ઝીલવા.

Comments

Loading comments…