ભવસાગર

રાસતરંગિણી

(ચાલો જોવાને જઈએ– એ ઢાળ)

જો ! જો ! સખિ ! પેલો સાગર ગાજે,રંગતરંગ શા રાજે રે !ભવસાગર ગાજે.

ગાન મધુર રહે કંઈ ગાતો,કૈંક વદે ઝીણી વાતો રે; ભવસાગર૦

એ સમજે ઉર કેાઈ સુહાગી,જે રસનાં અનુરાગી રે; ભવસાગર૦

માંહિ ભર્યાં મોંઘાં મૂલનાં મોતી,ગુણિયલ લે જન ગોતી રે, ભવસાગર૦

ઊભા ખડક એના ઊરમાં અલી !નાવિક રહે છે નિહાળી રે; ભવસાગર૦

સામે તીરે પ્રભુધામ પનોતાં,જગતની વાટડી જોતાં રે, ભવસાગર૦

કૈંક તરે, વળી કૈક તરેલાં,દેવને દેશ વસેલાં રે, ભવસાગર૦

ભારભર્યાં બહુ ડૂબતાં દીઠાં,જે મનમાં નહિ મીઠાં રે, ભવસાગર૦

ચલો સખિ ! એમાં સંગ ઉતરીએ,તીરને પામવા તરીએ રે; ભવસાગર૦

હેત તણી રચીએ રૂડી હોડી,જાવ તરી દોડી-દોડી રે; ભવસાગર૦

Comments

Loading comments…