માતૃગુંજન
રાસતરંગિણી
માતૃગુંજન(લક્ષ્મણ ! લક્ષ્મણ ! બન્ધવા રે ! વેરી કોણે રે લખિયા ?- એ ઢાળ)
આછાં નીરે ઉછળી રહી રે પેલી વાહિની વાધે,અાંસુભરી અલબેલડી રે આજ સાસરી સાધે;વહાલાં અનેક વળામણે રે એક અંતર ફાટે,જેઠ તપી રહ્યો જગતમાં રે એને શ્રાવણ આંખે.આજ મરી જતી માવડી રે એને કાળજે કાણાં,દૂધ ભર્યું હજી દાંતમાં રે એને આપવાં આણાં;ઢોલીડા ! ઢોલ ઢબૂકતો રે ઘડી રોકજે તારો,ઘાવ ઊંડા ઘટમાં પડે રે નથી વેઠવા વારો.ધમ ધમ ગાજતી ગોંદરે રે આવી વેલડી ઊભી,રોકી શકે નહિં રાંકડી રે જતી મહિયરમોંધી;
વાટનાં વીર વિહંગડાં રે ! એની સાબતે રે'જો,ગીત નવાં-નવાં ગાઈ ને રે ઊંડી ધીરજ દેજો;હૈયાંસૂની હબકી જતી રે એને રાખજો રાજી,મેં તો ત્યજી હવે હાથથી રે હતી જાળવી ઝાઝી.
દીકરી વ્યોમની વાદળી રે દેવલોકની દેવી,જેઈ—ન જોઈ વહી જતી રે વનપંખણી જેવી;આજ માડી તણે આંગણે રે રૂડા રાસડા લેતી,કાલ્ય અગોચર ભોમમાં રે ડગ ધ્રૂજતાં દેતી.
સાયર સાચલ સાસરું રે એનાં નીર તો ઊંડાં,દોડી-દોડી કરે ડોકિયાં રે મહિં જળચર ભૂંડાં;મીઠા તળાવની માછલી રે પાણી એ કયમ પીશે ?ઘેરા એના ધુધવાટથી રે મારી બાળકી બીશે.
જાય અહો ! વહી વેલડી રે વીલી માત વિમાસે,સૂનું થયું જગ સામટું રે ભૂમિ ડોલતી ભાસે;ઊનો અનિલ આ એકલો રે વહે ધ્રૂસકાં ધીરે,હાય ! હણાયલી માતને રે ચડી અંતર ચીરે.
Comments
Loading comments…