વાદળી

રાસતરંગિણી

(શીખ સાસુજી દે છે રે, વહુજી રહો ઢંગે –એ ઢાળ.)

ઊંચા આભને અંકે રે, વસુ હું તો વાદળડી,કૈક ભાવથી ભીની રે ઝીણી મારી જાતલડી;મારો કન્થ કોડીલો રે મનોહર મેહુલિયો,રસગાનને ગાતો રે નેહે ભર્યો નાવલિયો.

ઉર એક અમારાં રે, ન્યારા તન તેમ નહિ,એમાં હું ને એ મુજમાં રે એવી રસરીત રહી;મારું પિયર પનોતું રે સોહે સખિ! સાગરમાં,એનાં નીર નવેલાં રે ભર્યાં મુજ અંતરમાં.

એની સંમતિ સાધી રે શીળી–શીળી ધાર સજું ,જગકારણ જોને રે હસી-હસી પ્રાણ ત્યજું.

મરું તોય ન મૂકું રે સ્વભાવનો સ્નેહ કદી,ફુલડાં સમ ફોરાં રે ઝીણાં દઈ જાળવતી;એવાં પુણ્યથી પામું રે ફરી સુરધામ સખિ !એ જ જોડ અમારી રે હમેશ રહે હરખી.

Comments

Loading comments…