વાલ્યમનાં વેણ

રાસતરંગિણી

ગાજે વડલે વિહંગતણા ગાનથી રે,માંહે ટહુકે કળાયલ મોર,મને વહાલાં વાલ્યમજીનાં વેણલાં રે;

એવો ઉરને આનન્દ એક બોલડે રેએ તો લાગે કાળજડાની કોર. મને ૦

એને અમૃત તો એક-એક અક્ષરે રે,સખિ ! શીળા–શીળા એના સૂર મને૦

રોમે-રોમે રૂડો રસ રાજતો રે,ચડે હૈયામાં પ્રેમતણાં પૂર. મને ૦

જાણે વરસે કો મન્દ મન્દ મેહુલો રે,સરે આછી સલિલકેરી સેર, મને૦

જાણે ફૂલડાં ઝરે કોઈ ફોરતાં રે,લળી આવે સાગરતણી લહેર. મને ૦

દીસે જાદુ જરૂર એની જીભમાં રે,હું તો ભૂલી ગઈ તનભાન. મને ૦

રહે મનને નચાવી એની મોરલી રે,મારા ઉરનો કોડીલો એ કા'ન. મને૦

ભલે વરસે અંગાર કોઈ આભથી રે,ભલે કરવતથી કાળજું કપાય. મને૦

રહે રસની સરિત ઉરે રેલતી રે,પડી જૂઠા સંતાપ સહુ જાય. મને૦

Comments

Loading comments…