સરિત્સુંદરી
રાસતરંગિણી
(હું તો ઈશ્વર પૂજવાને નીસરી રે લોલ-એ ઢાળ)
હું તો ડુંગર દાદાકેરી દીકરી રે લોલ,શીળે સ્વભાવ સરિત્સુન્દરી રે લોલ;
હું તે માતપિતાને પગે પડી રે લોલ,વહાલાને પન્થ પળી એકલી રે લોલ.
વાંકી-ચૂંકી એ વાટડી વટાવતી રે લોલ;વચમાં અનેક ઠેસ વાગતી રે લોલ;
પડે પ્રીતમનો પન્થ નહિ પૂછવો રે લોલ,કેડો એ નેહનો નથી નવો રે લોલ.
એવું સુણવા હું લેશ નથી ઊભતી રે લોલ;થાકી કયારેય નથી થંભતી રે લે લોલ;જશે થાકી તે સેવકો શરીરના રે લોલ,એવાં તે રોદણાં અધીરનાં રે લોલ.
પણે ઊભો પ્રાણેશ રહ્યો રાજતો રે લોલ,ઘેરાં શાં ગાન વડે ગાજતો રે લોલ;આવે સામો અચૂક અલબેલડો રે લોલ,વહાલો જણાય વહાલઘેલડો રે લેાલ.
હું તો થંભી લગીર ગઈ લાજથી રે લોલ,વહાલે વધાવી મને વહાલથી રે લોલ;પડ્યા હૈયે પ્રકાશ હેત–હાસના રે લોલ,એવા આનન્દ રૂડા રાસના રે લોલ.
Comments
Loading comments…