આશા
કલાપીનો કેકારવ
આશા પાછળે આશામાં ફર્યો!આશા દૂરની દૂરે રહી!
એ તો દૂરની દૂર ભમે,મ્હારી પાંખ પ્હોળી ના બને,કાને મૃત્યુના પડઘા પડે,આશા મૃત્યુમાં ય છુપી રહી.
આશામાં જિગર ઝૂકી રહ્યું,કદિ આંખને ચાળે ચડ્યું;કદિ ઝૂલ્ફની ગૂંચે પડ્યું,ક્યાંયે આંખ ના ટાઢી થઇ!
આશા બોલતી, 'મૃત્યુ નથી',મૃત્યુ કહે,'આશા જૂઠી',શું જૂઠું? ન શું જૂઠું અહીં?આ અંધારામાં દીવો કહીં?
છે ખાક આલમ મોતની,તે ભૂકી મહીં આશા ભરી;લાગી લ્હાય ભસ્મ મહીં ફરી,ધૂણી આગ વિણ ધીખી રહી!
આશાને નિરાશા ના રુચે,આશા તૃપ્તિથી ડરતી દિસે,પણ તૃપ્તિનું તો નામ છે,આશા વિશ્વની રાણી ખરી!
ઘામી વર્ષ આખું જાય છે,કદિ ગર્જના સુણાય છે;રૂડા રંગ દૂર ભળાય છે,લૂખી એ જ આશા - વાદળી!
ગઇ રાત્રિ તો રવિ ઊગશે,એ માનતો મ્હારા મને;પણ આ અમારા કિસ્મતે,રાત્રિ પછી રાત્રિ મળી!
આશાને ભરૂંસે જે ભમે,તેને રંગ આ ખાકી મળે;તેને ભેખની ઝોળી ભળે,તે યે કોઇ દી પૂરી નહીં!
ઝોળી હાથમાં આવી હવે,અધુરી મળી - અધુરી રહે;તેને વિશ્વમાં કો ના ભરે,માગી ભીખ તે ખાલી ગઈ !
ચાલે છે જમાતો કાફલા,ઉડે છે બાદશાહી વાવટા;
અંતે એક જામો ધારતા,પછી રંગ એ ઉપટે નહીં!
તરુણો લટે લપટાઇને,કવિ ગીત મીઠાં ગાઇને,કોઇ ડહાપણે ભોળાઈને,ઝૂક્યાં એ જ ઝોળીની મહીં.
ઝોળીમાં પડ્યાં તે ના ઉઠે!તેની આંખ ભીની ના સુકે!મ્હારૂં જે બન્યું તે તેનું બને,ઓહો! દર્દ કોણ કળે અહીં?
ઝોળીમાં નિરાશા ભાસતી,કિન્તુ ત્યાંય ચણગી આશની;છેલ્લી હેડકી ય આશા ભરી,આશા સર્વની ન તે કોઇની!
કોઇ લાખ જન્મો ઈચ્છતા,એ તો એમ આશા સેવતા;કોઇ એમ આવ્યા પાશમાં,પડી પાશમાં છૂટે નહીં!
કો આ જાળમાંથી નીકળી,થયું હર્ષનું છે સોબતી,એવી વાત કાંઇ સાંભળી,કિન્તુ કોઇને દીઠું નહી!
Comments
Loading comments…