ઋણ
કલાપીનો કેકારવ
આ બ્રહ્માંડ અનન્ત મ્હેલ પ્રભુનો કૈં કાલથી છે ઉભો,તેમાં કૈંક ઝરી ભર્યા ચળકતા ઊડી રહ્યા વાવટા;
ને સિંહાસનથી અનેક લટકી ગોળા રહ્યા ઝૂલતા,તે પ્રત્યેક મહીં સુરંગ રચના બારીક છે કોતરી.* * *બ્રહ્માંડ આ તો ગૃહ તાતનું છે,આધાર સહુને સહુનો રહ્યો જ્યાં;લે છે સહુ કૈં સહુને દઈ કૈં,આભાર સૌનો સહુ ઉપરે છે.
ના રાખતું કો ઋણનો હિસાબઆભાર માની નવ કો રડે ત્યાં;આનન્દમાં સૌ દઈને રહે છે,આનન્દમાં સૌ લઈને રહે છે.
ગોળા ફરે એક જ તત્ત્વના સૌ,ખેંચાઈ એ એક જ તત્ત્વનાથી;અર્પે ગ્રહે છે સહુ એ જ તત્ત્વ;જે સર્વનું તે સહુને મળે છે.
આ વાદળીમાં વીજળી રમે છે,આ સિન્ધુમાં આ નદીઓ મળે છે,જૂદાં થઈને સહુ એક થાય,જે જેનું તે ત્યાં જઈને સમાય.
રે! માનવીનું પણ એ જ તત્ત્વ,હું તું મહીં એક જ રક્ત ચાલે;તો કાં ન અર્પું મુજ શીર્ષ તુંને?અર્પુ કદી તો ઋણ થાય શાનું?
માગે ન લોહી મુજ કાં સુખે તું?શાને ડરે છે કંઈ માગતાં તું?ત્હારૂં ગણે ના ક્યમ સર્વ મ્હારૂં?મ્હારૂં ગણે ના ક્યમ સર્વ ત્હારૂં?
આ વાત શાને જગમાં કરૂં છું?સંસારમાં વૈર જ નિરખું છું!બ્રહ્માંડ આ એક જ ભ્રાતૃભાવ,જન્મ્યો કહીંથી કટુ ભેદભાવ?
તે ભેદનો આ ઋણ એક અંશ,આભાર તેમાં કરતો પ્રવેશ;વિદ્વેષ, ભેદ, ઋણ, ઉપકાર,એ કેમ ઉગ્યાં વિણ બીજ ઝાડ?
હુંથી બને જો કદિ કાંઈ ત્હારૂંતો માનજે ના ઋણમાં તને તું;માગીશ હું એ કદિ જોઈશે તો,તું આપજે, હું સુખથી લઈશ.
આભાર ભૂલે બહુ લોક આંહી,પીડા ન તેની કદિ થાય કાંઈ;આભારમાં અશ્રુ નિહાળી કિન્તુખેર્યાં, અરે! મેં બહુ વાર આંસુ.
Comments
Loading comments…