એ ચ્હેરો

કલાપીનો કેકારવ

પ્રેમી આંખો કુદરત બધી શીદ જોવાઈ જાશે ?જેને લાદ્યું મધુર મધુર મુખડું આંખ કાં ખોલશે તે ?જેને ખોળે જગત સઘળું ખેલવા ખેલ આવે,દેશે દેશો વન વન થઈ શીદને આથડે તે?

તારા, ભાનુ, મધુર ફુલડાં, વેલડી ને ઝરા, વાસૌન્દર્યોનાં જગતફલકે ચિત્રની સૌ સુરેખા;એ સૌ ભાસે મૃદુ વદનના શેષના રંગ મીઠા,એ સૌ કોઈ મૃદુ વદનના આશરામાં પડેલા.

આ હૈયાનું મધુર મુખડું વિશ્વનું મધ્યબિન્દુ,સૌન્દર્યોનું વહન જગતે એ જ મ્હોંથી વહન્તું;એ મ્હોનું હું સ્મરણ કરતાં ઝિન્દગી ગાળતો છો,ચાલ્યા જાતા શશી, રવિ, ગ્રહો આથમી કે ઉગી છો.

આ સંસારે કંઈ મૃદુ મુખે હાસ્ય મ્હેં કૈંક જોયાં,જોયાં નેત્રો ટમટમ થઈ અશ્રુનાં પૂર વ્હેતાં;લજ્જાળુ મ્હોં નમી સ્મિત કરે, એ ય ભાવો નિહાળ્યા,એ ચ્હેરાની નકલ વિણ તો ક્યાંય સૌન્દર્ય છે ના.

Comments

Loading comments…