એ મૂર્તિ

કલાપીનો કેકારવ

કંઇક દિવસો સુધી નયન બંધ રાખ્યાં,અરે!ન એ મૃદુ છબી છતાં હૃદય પાસ આવે હવે!

ન યાદ મુખડું રહે, ન વિસરાઇ જાતું વળી!રહી હૃદયમાં ન તે નયન પાસ આવે છબી.

અહો! જિગરના ય જિગરમાં જ પાળી હતી,જરા ય પ્રતિમા ને તે જિગરને હવે ધીરતી;હજાર રમતો કરી વદન છેક ઉડી ગયું,સ્મૃતિ ન સ્ફુટતા ધરે - નિરખતાં ય જે દાઝવું.

અનેક વદનો અહીં જગતમાં સદા આથડે,અનેક વદને સ્મિતે અમી તણા ઝરા યે વહે;સમાન મુખનાં વળી જગતમાં દિસે જોડલાં,ન કાં વદન એ તણી જરી ય છાય કો ધારતાં?

અહો! વદન એ કંઇ વદનમાં કંઈ દેખતાં,છતાં ય સમતા જરી નયન આ ન જોઈ શક્યાં,હજાર મુખડે ફરી નયન અન્ધ આજે બને,હજાર મુખડે ફરી નયન તો નિરાશા ધરે.

થયાં પ્રથમથી જ આમ વદનો કંઈ વેગળાં,ગયાં પણ ગયાં દઈ વદન અન્ય આ નેત્રમાં;ગયાં વદન તે ગયાં ન સુનકાર હૈયે ભરી,ગયાં મૃદુ મુખો વધુ મૃદુ મુખો જ નેત્રે ધરી.

અરે! પણ હવે ન અન્ય પ્રતિમા ખડી થાય છે,ન દાહ સળગે અને જિગર ખાક ના થાય છે,ન અન્ય વદને ન અન્ય નયને ઠરે નેત્ર આ,ન બન્ધ પડતો અને ધુંધવતો જ હૈયે ધુંવા.

ધ્વનિ મધુર કો છતાં નભ થકી સુણાતા દિસે,મ્હને શશી, રવિ, ગ્રહો, ઝરણ, વૃક્ષ, સૌ નોતરે;અહા! હૃદય કાજ આ જરૂર વિશ્વ મૂર્તિ બને,છતાં ક્યમ હજુ ન એ નવીન મૂર્તિ ચાંપું ઉરે?

પ્રવાસ હૃદયે કર્યો પ્રણય શ્રેષ્ઠનો વાંછતાં,ચડ્યું ગિરિવરો, તર્યું ઉદધિઓ ઉમંગે સદા;નવીન વદને નવીન નયને ફર્યું મ્હાલતું,નવીન જિગરે નવાં મધુર આંસુડાં ઢાળતું.

હવે હૃદય આ ન લે હૃદય કેમ બ્રહ્માંડનું?હવે કુદરતે બને હૃદય કેમ શ્રધ્ધાહીણું?ન ફાંસ નડતી તહીં ક્યમ ભલા શૂળી પેખતું?ગયા મુખ ભણી હજુ ક્યમ ઢળી ફરી ઝાંખતું?

નવીન મુખ ચુમ્બતાં જિગરમાં ન દાગે થશે,પ્રભુમય થતાં ન શોચ ડર ભીતિ કૈં યે ઘટે;ન કેમ કરવી હવે રમત વિશ્વવ્યક્તિ થકી?ન કેમ ભળવું હવે ગહન યારની બાથથી?

અનન્ત મુખડાં અનન્ત સુખડાં જહીં સાંપડે,ત્યજી વદન એ ગયા મુખની કેમ કાંક્ષા ધરે?અનન્ત યુગનું અહીં વચન પ્રેમનું લાધતું,અનન્ત યુગમાં ભળી નિજથી કેમ ના ખેલ તું?

અનન્ત યુગ તો જતાં નવ કશી ય વેળા જશે,ન ખેલ કરવા પછી જગત એ ય પૂરું થશે;ન સાથ કરશે પછી શશી, રવિ, ગ્રહો સામટા,ન કાંઇ રસ પામશે હૃદય એકલું ચાલતાં.

ન લાખ યુગમાં ભળી નિજથી ખેલ હુંથી બને,વિના વદન એ સદા હૃદયબ્રહ્મ લૂખું, અરે!ન મોક્ષ મધુતા ધરે, પ્રણય શુષ્ક ખારો અહીં,વિના વદન એ નિજત્વ નિજનુંય પૂરું નહીં.

વિના વદન એ પછી હૃદય આ ન જીવી શકે,અહો! વદન એક આ જગતથી વિશાળું દિસે;અરે ! વદન એ વિના જગત શૂન્ય સૂનું નકી,અને વદન એ ગયું નયન બ્હાર ક્યાં યે લૂંટી

ન સાદ ન ઝરણાં તણા, ગિરિ તણા શશી ના ગમે,ન કૈં કુદરતે મ્હને હજુ ય ચેન લાધ્યું દિસે;કદાપિ હજુ યોગ્યતા હૃદયની થઇ ના હશે;હજો જ જ્યમ હો છતાં વદન એ વિના ના રુચે.

મ્હને વદન એ દઈ જગત આ લઇ લે સુખે,નહીં કરગરૂં, નહીં ટળવળું, પ્રભુ! હું દુઃખે,

ન અન્ય મુખની હવે કરીશ નાથ! હું પ્રાર્થના,મ્હને વદન એ જ દે જિગર સાથ આ ચાલવા.

Comments

Loading comments…