કમલિની

કલાપીનો કેકારવ

લાડલી હું શ્વેતવરણી ઝૂલતી રહું જલ પરે,મકરન્દ છાંટું ભૃંગ પર તે ગુંજતો મુજ પર રહે;તેને સુવાડું રાત્રિએ મમ હૂંફવાળા હૃદયમાં,ત્યાં પ્રેમધબકારા ઝીલે બન્ને દિલો આનન્દમાં!-૧

ફાનુસ રૂપાળા, દ્રાક્ષરસના જામ કે જાંબુ સમી;હું તો રહું જલલ્હેરીઓની ઉપર ધીમે હીંચતીં,ક્ષણ એક મારી પાસ નાનો આગિયો ચળકી રહે,મમ પાંખસમ્પુટ ઉપર ફેંકે નીલવરણું તેજ તે!-૨

ને કુંભ અમૃતનો ભરી ઉદધિ થકી ચંદા કૂદે,તે વાળ ખંખેરી રૂપેરી સુધા છલકાવી હસે,સ્ફાટિક તણો ગગને ધરે ઘન પાટલો તે પર ઊભે,ને અધર ફરકાવી લવે કંઈ મંત્ર મીઠા તે સમે!-૩

બૂરખો નવો મુખ પર ધરી ડગલાં ભરે ત્રણચાર, નેમૂંઝાઈ ફેંકે દૂર તે ત્યાં સ્વેદબિન્દુડાં ખરે;તિલ ગાલ પરનો, ધનુષ ભ્રૂ ને શ્યામ કાજળ નયનનું;હીરાજડિત મ્હોટા અરીસામાં જુએ કરી ડોકિયું!-૪

કુમુદી ન્હાની બેનડી મુજ વ્હાલ ચંદા પર ધરે,ચંદા કૂળા કર સ્પર્શ મૃદુથી ફેરવે મુખડા પરે;ભગિની મ્હારી લાડકી તે જાગતી આખી નિશા,મુજ પાસ જલશૈયા પરે નિદ્રા કરે દિનમાં સદા!-૫

સખી સાથે સ્નાન કરીને ચાલી ચંદા દૂર ત્યાં,બરફ ગોળા પર મૂકી પગસ્મિત કરી કંપી જરા;તે દૃષ્ટિ ચૂકાવી પડી, સરકી ગઈ, જલમાં ઢળી,ને બાપડી ડૂસકાં ભરી રડતી રહી પ્રિય કુમુદિની!-૬

તે વેળ બધી મુજ ભૃંગ ને હું તો હતાં સુખરૈલમાં,કંઈ ગોષ્ટીના પડદા ઉઘાડી પ્રેમમાં ઘેલાં હતાં;હૃદયનો વિનિમય થતો’તો, શાન્ત રસ દ્રવતો હતો,ને દિવ્ય ચમકારા થતા’તા હૃદય બન્નેમાં અહો!-૭

છૂટી સમાધિ હું ઊઠી સુણી હિબકતી કુમુદી આ,પંપાળી વાંસો લ્હોઈ નીલી પર સુવાડી શાન્તિમાં;ફરર ફર ફર ફૂંકતો ને મન્દ ગતિથી વહી જતો,નિ:શ્વાસ વિરહિણીના સમો ત્યાં અનિલ આવ્યો શીતળો!-૮

ચડી તે પર, સુરખ સાડી ધરી, આવી ઉષા રૂડી,અતિ શ્રમ થકી તેના અધર ને ગાલ પર લાલી હતી;પવન તો સરકી ગયો તે એકલી રહી ઊડતી,તારા ઝીણાની પંક્તિ તેની પાંખમાં શોભી રહી!-૯

ધ્રૂજતાં ધીમે રહ્યાં તેનાં સુનેરી પીછડાં,ને શુક્રની ચોડી હતી રમણીય ટીલી ભાલમાં,કદ રાક્ષસીનું પણ રહ્યું તેમાં હૃદય અતિ કોમળું,‘તમ દંપતી સુખમાં રહો,’ તેણે મને ભેટી કહ્યું.-૧૦

પલમાં અહીં જલમાં પડી, પલમાં ગઈ નભમાં ઊડી,કિન્તુ સુનેરી રેશમી સાડી અહીં સરકી પડી;ધીમે ધીમે તે દિવ્ય બાલા પિગળી ગઈ કુમળી,ને પૂર્વમાં પલ એક રઃહી શ્વેત જ્યોતિ ઝળકતી!-૧૧

જળળ જળહળ તેજગોળો લાલ ત્યાં લટકી ગયો,તેજસ્વી તે રવિને શિરે કંઈ મુકુટ કંચનનો રહ્યો!હું તો ઉઠી છોડી દઈ પિયુ-ભ્રમર મ્હારી બાથથી;તે પર ફિદા આ શરીર વળી હું પ્રેમ રવિ પર ધરું અતિ!-૧૨

ફિક્કા પડેલા તારલા મેંઢાં સમા વિખરી પડ્યા,ગોવાળ-રવિના માત્ર દર્શનથી ડરી ન્હાસી ગયા!દંડ પ્રહર્યો એક તેણે પ્હાડ ધૂમસના ઉપર,પળ એકમાં પિગળી ગયાં ઝાકળ તણાં શિખરે શિખર!-૧૩

વ્હાલમ ગયો રમતો અને ઉડતો બગીચે એકલો,વેલી તણી વેણી અને વૃક્ષો મહીં છુપી ગયો;કુંજ પેલીમાં કરે છિત્કાર તમરાં, ત્યાં ફર્યો,ને હવે નાજુક છોડના તે ગુલ ઉપર ઘૂમી રહ્યો!-૧૪

અપ્સરાઓ નિત્ય આવી સરકિનારે ખેલતી,મુજ ભૃંગને પૂજે પીળી ચંદન તણી અર્ચા કરી;તેઓ ફરે ફૂદડી, ઊડે ગુચ્છા સુનેરી વાળના,રવિકિરણમાં રવિકિરણ જેવા રેશમી તે ચળકતા!-૧૫

મેં સ્નાન સરજલમાં કર્યું, મુજ ગાત્ર ભીનાં કંપતાં,આ મોતીડાં કે બિન્દુડાં જલનાં ભર્યાં મમ કેશમાં;રવિ હોળતો મુજ વાળ તેને તો કર્યો મેં ભ્રાત છે,તેની અને મ્હારી છબી-આ જલ બિલોરીમાં પડે!-૧૬

ખળક ખળકે તરંગોની લહરી શીતલ માધુરી,ને કંઈક બુદબુદ જન્મ પામી શમી જતા પાછા વળી;રવિકિરણથી નવરંગના શીકર જલના ઊડતા,છંટાઈ તે મ્હારા ઉપર મમ શરીરને શૃંગારતા!-૧૭

ઝીણી રૂપેરી માછલી કૂદી ઊડી જલમાં પડે,રવિબિમ્બ તો ધ્રૂજી રહે ને ચકર પાણીમાં બને;રૂડા મુક્તાહારમાં હીરા તણા ચકદા સમી,નાજુક રૂપાળી હાસ્યવદની એક પલ રહું ડોલતી!-૧૮

શંખ જ્યમ લપસી પડે કો ચોક મણિના ઉપરે!ત્યમ હંસજોડી ધવલ કટકા ચંદ્ર જેવી ત્યાં તરે;પાંખ જલથી આફળે ને તરંગો રહે છબછબી,એ પૃથ્વીનાં પક્ષી નહીં, છે દિવ્ય દૈવી કો નકી!-૧૯

શી ડોક તેઓની રૂડી ડોલર તણી માલા સમી,ને હિમપર્વતશૃંગ પરના બર્ફથી ધોળી ઘણી;છે લાલ ચંચુ લાલ કે દાડિમ તણી જેવી કળી,તે પવનવેગે જલ પરે શી ચળકતી ચાલી ગઈ!-૨૦

હવે તો મધ્યાહ્‌નકાલે ધોમ ધખિયો વ્યોમમાં,સૌ જગત સૂતું શાન્તિમાં ને પુષ્પવેલી ઢળી ગયાં;પણે સારસયુગલ ઉતરે કુંજમાં ઊડતું ધીમે,ને એક સમળી ચીસ પાડી શાન્તિનાં પડને ચીરે!-૨૧

કંઈક ફૂલથી હાસ્ય કરતો, કંઈક ફૂલ રંજાડતો,મમ કર્ણફૂલડું હૃદયરાજા મધુર મધુકર આવીયો;પત્ર-થાળી, દાંડલી-કર, બિન્દુજલનાં મોતીડાં,

તેને વધાવું તે થકી ને અશ્રુ છાંટું નયનનાં!-૨૨

સંયોગની પલ ટૂંકડી વીતી ગઈ સ્વપ્ના સમી,રવિ પશ્ચિમે ડુંગર ઉપર ઊભો રહ્યો દોડી જઈ;લંબાવી કરકિરણો જગાડ્યાં વૃક્ષ સૌ ધંધેણીને,ને ત્યાં ઉડાડ્યાં પક્ષીઓ કુમકુમ સમું કંઈ છાંટીને!-૨૩

કોકિલ તણી કીકી સમો રસ દ્રાક્ષનો ઢોળ્યો પણે,ને ચળકતાં ફૂલડાં ગુલાબી વેરિયાં નભમંડપે;ત્યાં ગાર આછી ચોકમાં લીંપી રૂડી કેસર તણી,પણ ભાનુ તો ડૂબી ગયો ને શાન્ત સંધ્યા રહી ગઈ!-૨૪

આ આભને આસમાની પરદે કિરણ સૌ રેલી ગયાં,ને એક બાજુ વાદળીમાં નવીનરંગી થઈ રહ્યાં;ને પણે વાદળ ગરુડ શું કનકનું લટકી રહ્યુંતે તો હવે રસ થઈ જઈ ઢોળાઈ ને પીગળી ગયું!-૨૫

ત્યાં વૃક્ષના ઘટ ઝૂંડમાં કો’ બુરજ ઊભો એકલો,તે સ્થાનમાં ઝીણો, મધુર ગંભીર વાગે શંખ કો;તે સૌ પ્રદેશો ઉપર ડોળા ફાડતી રાત્રિ ધસી,અંધારપડદે છાઈ લીધું વિશ્વ પ્હોળું ક્ષણ મહીં!-૨૬

વાંસવૃન્દો આરડે ને પવન હાંફે જોરથી,ને આંખ છે અંગાર જેવી સિંહની ત્યાં ચળકતી;પણ ત્યાં ઊભું તટ પર દિસે કોઈ દબાયું દુઃખથી,માનવ હશે! એના વિના આ સુખી જગતમાં કો’ દુઃખી?-૨૭

દુઃખમાં પડ્યું માનવ અને દુઃખદાહ તે પાછળ જુવે,નહિ જ્ઞાન તેને ભાવિનું પણ કલ્પી દુઃખ ડરતું રહે;કંઈ સ્વાર્થ, સત્તા, દંભ એવા બન્ધ તેને ફરી વળે,સુખમય અમારી જ્ઞાતિ તેની બ્હાર તે તો ટળવળે!-૨૮⁠૧૦-૧૧-૧૮૯૩

Comments

Loading comments…