કુમુદિનીનો પ્રેમોપાલમ્ભ

કલાપીનો કેકારવ

લગાડી મોહની પ્યારા! કઠિન હૈયું કર્યું શાને?અહોહો! નાથ કપટી રે! બલિહારી ત્હમારી છે!સ્મૃતિ છે એજ મુખડાની, ન દેખી હું દુઃખી છું રે!ગ્રહી જો બાંય, તો લજ્જા ત્હમારાંની ત્હમોને છે!

બકું છું હું તમે માનો: જિગરમાં ઘા મને ઊંડા!ઉમળકા આ હૃદયના હા! કહો ક્યાં ઠાલવું ફાડી!કરો ના બૂઝ દર્દીની, ન મારો બાંધીને મ્હોડું:ગ્રહી જો બાંય, તો લજ્જા ત્હમારાંની ત્હમોને છે!

વનોમાં આગિયા ઊડે, પલક ચમકી રહે છાના:સુપ્રેમી આગિયા જેવા, તમે તોયે પ્રભુ મ્હારા !ન તાણો પ્રેમની દોરી, બહુ તાણે જશે તૂટી:ગ્રહી જો બાંય, તો લજ્જા ત્હમારાંની ત્હમોને છે!

હું તો આ પુષ્પ છું કુમળું, ઝર્દ આ દર્દથી કીધું:થજો સ્વપ્ને કરુણ, વ્હાલા! હણાઉં હેતવા।ળી હું!હતાં સાથે: ગયા ઊડી વિચારો હો! વિસારો શે?ગ્રહી જો બાંય, તો લજ્જા ત્હમારાંની ત્હેમોને છે!

જીવન આ ચંદ્રથી ઓપ્યું: શરીર પાણી પરે લટક્યું!દુ:ખિયણ હું દુભાયેલી જીવું તો શું? મરૂં તો શું!અમીની આંખની પ્યાસી કુમુદ આ તો ત્હમારી છે:ગ્રહી જો બાંય, તો લજ્જા ત્હમારાંની ત્હમોને છે!

અરે રે! યોગ થાશો માં! થયો તો સ્નેહ જામો ના!મૃદુથી બેપરવા યા બેદરકાર પ્રેમી જડાશો માં!અજાયબ સ્નેહના રસ્તા! અજાયબ ગાંઠ પ્રેમીની!ખુમારીને ખુવારી છે: અજાયબ પ્રેમીની મસ્તી!

Comments

Loading comments…