કુસુમ માટે પ્રાર્થના
કલાપીનો કેકારવ
કળી ક્હો કે કાંઈ, હૃદયરસ ક્હો કે સુખ કહો,બગીચે આ મ્હારે ફુલ બસ રહ્યું એક જ હવે;અરે ! વાયુ ભૂંડા ! અડીશ નહિ મ્હારા કુસુમને,તને શું છે ? ભાઈ ! મુજ જિગર છો ત્યાં વિરમતું.
અદેખો તું શાને ? મુજ હૃદય ના ના બહુ સુખી,અરે ! લીધાં મ્હારાં કુસુમ સઘળાં તેં જ ઝડપી;રહ્યું છે આ છેલ્લું ! તુજ શરણ છે ! મ્હેર કરવી !નથી દાવો કાંઈ ! પણ અરજ આ ઉર ધરવી !
પ્રભુનો તું છે તો પ્રભુવત દયાળુ કંઈ થજે,ઉન્હા શ્વાસો ત્હારા મુજ કુસુમથી દૂર કરજે;મ્હને આ ઝાળૉમાં શરણ નહિ, ટેકો નહિ કશો,ઠરે આંખો કાંઈ બસ નિરખતાં આ કુસુમડું.
કરી લે ચાહે તે મુજ સહુ જ ખોળે તુજ પડ્યું,ન સત્તા મ્હારી કૈં, બહુ બહુ કરૂં તો રડી રહું;અરે ! રોનારાને રુદન હજુ દેઈ કરીશ શું ?જવા દેને, બાપુ ! જખમી ઉરને દે જખમ શું ?
હશે કાંટા પુષ્પે - પણ મધુર એ કંટક મને,અરે ! કાંટા માટે કદિ પણ હવે હું ન વિલપું;નહીં ખેરૂં કાંટા, નહિ જ કદિ ઇચ્છા પણ ધરૂં,હજો કાંટા સાથે કુસુમ કુમળું એ મુજ સદા.
મ્હને એ કાંટાથી બહુ સમયથી મ્હોબત થઈ,મ્હને એ કાંટાથી રુદન કરતાં લઝ્ઝત મળી;અરે ! ચોડ્યા હૈયે, જિગર ચીરતાં એ નવ ડર્યો,હવે તો કાંટાથી મુજ હૃદયનું બન્ધન ઠર્યું.
ઉગારી લે તેને, મુજ જિગરને દે ઉગરવા,નથી મીઠું ત્હોયે જીવિત વધુ ખારૂં કરીશ ના;અરે ! નક્કી આવ્યો મુજ કુસુમને શું લઈ જવા ?અરે ! મ્હારાં નેત્રે રુધિર ખરડી અન્ધ કરવા ?
ન તેની તૈયારી તુજ સહ હજુ કૂચ કરવા,ઉખેડી તે દેવા મુજ ઉર ન તૈયાર અથવા;જરા તો ઠેરી જા ! અમુક સમયે છે તુજ સહુ,અમારાં હૈયામાં અરર ! હજુ કાંઈ રહી ગયું.
અમે શીખી લેશું પ્રણય કરવાની નવીનતા,પછી તો આનન્દે ઉખડી ઉખડીને તુજ થશું;પડું છું હું આડે, મુજ ઉપર જ્વાલા તુજ પડો,ફુલો ચૂંટી લેવાં ! અરર ! તુજને એ નવ ઘટે.
પ્રભુ ! ત્હારૂં સર્વે, મુજ નહિ કશું આ જગતમાં,મને મ્હારે કિન્તુ કુસુમ મધુરૂં આ મુજ ગણ્યું;
દયાળુ તું તો છે પણ ન નિરખું હું તુજ દયા,અરે ! તેથી યાચું મૃદુ કુસુમડા ઉપર કૃપા.
Comments
Loading comments…