જીવનહાનિ ચોવીશ વર્ષ
કલાપીનો કેકારવ
ફૂટી ગયેલ ઘટની ઘટમાળ જેવાં,મારા ફર્યાં વરસ : જીવનબાગ સૂક્યો !એકેય બિન્દુ નવ ચોવીસ ચક્રમાંથી:વા કોઈ એ ન ઘટમાળ સમારનારું !
સેવા બજી ન પ્રભૂની કશી કોઈ દી એ,બાકી રહી સહુય ચેતનહીન આશા !તેમાં પરંતુ ઉરને ફરિયાદ ના કૈં ,જાયે ગુલાબ કહીં કંટકને રડીને ?
મારું સદાય સહવું સહુ છે સહ્યું મ્હેં,માળી તણો કર સુખે જ્યમ પુષ્પ સ્હેતાં;મ્હારી ગરીબ કવિતા બસ કાંઈ રોતી,તેવી પ્રભુ પણ ક્ષમા સહનારને દે !
હું વિશ્વનો નહિ જ કૈં ઉપયોગ જાણું,કો ખેદમાં ગતિ તણું ઉર મૌન ધારે;મ્હારો હિસાબ વિધિ પાસ કશો ન લાંબો,જીવ્યો, મરીશ : જ્યમ તારક ત્યાં ખરે છે.
સેવા તણી ગરજ છે વિભુને ન મ્હારી,નૌકા તણી ગરજ ના જ્યમ સિન્ધુ રાખે;સૂઈ ઊભા રહી પ્રકાશની રાહ જેવી,તેમાં ય એ જ હરિની બજતી જ સેવા.
આ શુષ્ક પાનખર શી મુજ દગ્ધ આશા,તેને પરંતુ હજુ છે ફરિયદ કાંઈ;ફિક્કાશ આ રુધિરની રડવી નથી કૈં ,એ પ્રેમનો તરફડાટ બધો ગયો છે.
જે સર્વદા સહજપ્રાપ્ય તજી દઈને,જે લાધવું કઠિન ત્યાં નિજ તીર તાંકે,તે પ્રેમને ઘટિત અશ્રુ બધાંય આ છે :તેમાં કશીય ફરિયાદ કરી ન છાજે.
કિન્તુ વસન્તસમયે સહુ પુષ્પ ખીલે,તોફાન સિન્ધુજલના શરદે શમે છે;જ્યાં શાન્તિનો સમય માનવીઓ ગણે સૌ,ત્યાં દર્શને ન હજુ શાન્તિ તણું હું પામ્યો !
બાલ્યા ગઈ જ, ગત યૌવન છે થયું, નેમ્રુત્યુ તણાય પડઘા શ્રવણે સુણાતા;ત્હોયે રહે તરસમાં મરતો બપૈયો,ને પિંજરા હૃદયને ફરિયાદ રોવી !
Comments
Loading comments…