જ્વરમાં પ્રિયાને
કલાપીનો કેકારવ
અરે! તું વૈદ્ય કાં તેડે? ગળે કાં ઔષધિ રેડે?
ભૂલી વૈદક શું ગઈ? વ્હાલી વ્હાલી પ્રાણ!કૂપી અમૃતની પ્રિયે! તું તું ઔષધખાણ!
ભૂલી તું તો બતાવું હું ! ભરે જલ નેત્રમાં આ શું?લલાટે રાખ કર ત્હારો પછી એ તાવ પણ પ્યારો!
વૈદ્ય રડે તેથી પ્રિયે! આ દરદી મૂંઝાય,નાડી જો દિલની અને કર તું કાંઈ ઉપાય.
હ્રદયનો વૈદ્ય મ્હારો તું ! હ્રદય રાજી દરદ તો શું?મને આ તાવ સારો છે! મધુરી હૂંફવાળો છે!
જ્વરથી જોઈ શકાય છે ત્હારું હૈયું! પ્રાણ;બીજી કોઈ સ્થિતિ નહીં, જ્વર તે મીઠી લ્હાણ!
અરે! એ લ્હાણ કાં ખોવી? મને તો ભાવતી એવી!કટુ કાં ઔષધી લેવી? મળે છે જો મધુરી કૈં!
દિલબૂટી તુજથી ઝરે કુળા રસની ધાર!જોવું જો કૈં પારખું તો મુખ દર્પણ ધાર!
મને એ મ્હોં અતિ વ્હાલું, ગરીબ મૃદુ ને ફિકરવાળું!અહીં અહીં આવ ચુમ્બી લઉં! હવે પગ ચાંપતા થાકી!
સ્મિત મુખ છે પ્રિય મુજને, શું ના પ્રિય તુજ હોય?ચિન્તાગ્રસ્ત પરન્તુ આ તુજ મુખ કેવું સ્હોય?
મને મ્હોં એ વધુ વ્હાલું! કંઈ તેમાં નવું પ્યારૂં!અહાહા! ગોળ ગોરૂં એ જરા શરમાઈને નમતું!
એ મુખ પાસે હોય તો મીઠું શું નવ હોય?તાવ હોય કે કાંઈ હો જે હો તે છો હોય!
પ્રિયે! મુખ એ હસે છે હા! ગયો જ્વર ક્યાંય ઉડી આ!અહીં તું આવ આલિંગું! નયન મૃગ શાં મીચે છે શું?
Comments
Loading comments…