તું વિણ મેઘલ વાજસુર !

કલાપીનો કેકારવ

મે'ની જોતાં વાટ, ઉન્હાળો ઉડી ગયો!પણ ના લીલી ભાત, ત્હારી દેખું - વાજસુર!

બીજાંને મે' આજ, સચરાચર જામી પડ્યો,પણ ચાતકની જાત, તરસી - મેઘલ વાજસુર!

સ્વાતું ગોતે છીપ, બીજો મે' ખપનો નહીં;ખપનો એ જ અદીઠ, રાખીશ કાં તું?- વાજસુર!

અણખપિયાંની જાત, ઝાઝી જગમાં સામટી;જેથી ઠરતી આંખ, તે મે' આઘો - વાજસુર!

હવન કરૂં કે હોમ ? ઉજેણી જોશું કરી!પણ તુજ સામે જોમ, શું પામરનું ? - વાજસુર!

દેખાડીશ દુકાળ ? ઘેંશું પીને જીવશું!જપશું ત્હારી માળ, તો એ - આપા વાજસુર!

ના છે કાંઈ ખેડ - મેઘલજી ! અમ લોકની;તો યે ત્હારી મ્હેર, લીલા લ્હેર જ - વાજસુર!

અબઘડીયે તું આવ ! 'આજ-કાલ' કર મા હવે !મન ખેતર સોસાય, તું વિણ - મેઘલ વાજસુર!

Comments

Loading comments…