પાણીનું પ્યાલું
કલાપીનો કેકારવ
વ્હાલી ! પાણીનું પ્યાલું !ભરી તું દેજે છેલ્લું, વ્હાલી !પાણીનું પ્યાલું !
કોણ નશો કરશે હવે ? શું મસ્તીથી થાય ?તું મસ્તી મુજ દૂર તો શું છે મસ્ત ઉપાય ?
પાજે પાણીનું પ્યાલું !
પાણી પા મુજને પ્રિયે ! પછી સુખે જા દૂર !પાણીના જ નશા મહીં રહું સદા ચકચૂર !એક જ પાણીનું પ્યાલું !
પાણી જે તું પાય તે નશાદાર દિન લાખ !એ જ ધૂનમાં ગાઈશું ગીત લાખ દસ લાખ !દે દે પાણીનું પ્યાલું !
તોડી દે સુખથી સીસો ને મદિરાનું જામ !તોડું છું ઉર આજ હું ! ત્હને હજો આરામ !ત્હોયે પાણીનું પ્યાલું !
મળ્યાં હોત ના આપણે, થઈ હોત ના પ્રીત,પડ્યાં હોત જૂદાં ન તો દિલે હોત ના ચીર !પણ આ પાણીનું પ્યાલું !
કોણે પાયું હત પ્યાલું ? આવું પાણીનું પ્યાલું ?મીઠું આજે આ પ્યાલું ?
Comments
Loading comments…