પ્રેમીની પ્રતિમા

કલાપીનો કેકારવ

અહો! સાચી પ્રીતિમધુર સ્વરના મેળ સરખી,ગ્રહોએ નિર્મેલાં હૃદયયુગલોથી નિકળતી;અહીં જે કમ્પે તે સ્વર જરૂર ત્યાં કમ્પ કરતા,વહે રોવું રોતાં, હસવું હસતાં એક સરખાં.

જડાઈ પહેલાં ને પ્રણયી પછી સૌ જન્મ ધરતાં,ઘરાં તે એક્કેકે જરૂર દ્વય બીબાં નિકળતાં;વળી તત્ત્વો એ સૌ પ્રણયી દિલનાં એક જ નકી,અહીં ના બન્ધાતી પણ અનુભવાતી ખરી પ્રીતિ.

વહે છે સૌન્દર્યો પ્રતિ નયન પાસે કંઈ કંઈ,અરે! ખેંચી કાઢે જિગર પણ કો એક જ નકી,અહા! તે તો તેની કુદરત બધીની મધુરતા,અને એ આત્માના અમર રસની એકમયતા.

અહો નેત્રો! જોજો પ્રણયી થઈને કોઈ પ્રતિમા,ન જોયું ના જોશો સ્વરૂપ પછી એવું જગતમાં;અરે પ્રેમી! પ્રેમી! વિશદ વધુ તેથી નવ કશું,સદા કલ્પેલી તે સહુ મધુરતા છે તહીં ન શું?

જરા જોતાં જોતાં વિમલ પ્રકટે દીપક તહીં,ધરે તે શા રંગો તુજ હૃદયના કાચની મહીં?બન્યું એ તારાનું હૃદય ધ્રુવની માછલી, અનેહજારો ભાનુના બલથી મુખ તેનું નવ ફરે.

પરન્તુ એ દીપ્તિ તુજ હૃદયની માત્ર પ્રતિમા;અરે શિલ્પી! એ તો તુજ જિગરની દિવ્ય પ્રતિભા;ઘડી પૂજે મૂર્તિ તુજ હૃદય ત્હારા હૃદયની,નવી નિત્યે માની, પ્રણયી! ભજ તે ઝિન્દગી સુધી.

અરે! આવું છે તો પ્રણયી નવ ઘેલો ક્યમ ગણું?નહિ સાચું કાંઈ પણ પ્રણયીનું કલ્પિત બધું;કરી પોતાનું એ પ્રણયી કંઈ એ ઉત્તમ ગણે,ન શું એ અન્યાયી કુદરત તણો પાતકી બને?

અરેરે! સંસારી! તુજ જગત ક્યાં કલ્પિત નથી!કર્યાં પ્રેમીનાં તો નયન પ્રભુએ તીક્ષ્ણ સહુથી;વધુ પ્રેમી જોતાં વધુ વધુ તહીં રૂપ નિરખે,અને એ મૂર્તિમાં હજુ વધુ જ સૌન્દર્ય નકી છે.

Comments

Loading comments…