ભવિષ્યના કવિને

કલાપીનો કેકારવ

ઉઠ ઉઠ ! રસઘેલા ! ગીત ગા કાંઈ તાજાં,જગત મુખ વિકાસી જોઈ તુંને રહ્યું છે;જલધિ ફરી વલોવી રત્ન કૈં કાઢ તાજાં,કુદી કુદી ઊછળે તે ઊર્મિઓ અર્પવાને.

કમલવન તણાં તો ગીત પૂરાં થયાં છે,નિજ ગીત ગવરાવી તૃપ્ત છે શીત રશ્મિ;મધુર ફૂલની પ્રીતિ જાણતાં સૌ થયાં છે,નવીન રસ તણાં તું ગીત ગા ગીત ગા કૈં.

અગર કુદી કુદીને બેસ જા ચન્દ્રપીઠે,મધુર રસ તહીંનો પૃથ્વી આ જાણતી ના;નવીન મધુ-સુધાની ધાર ત્યાંથી કરી દે,નવીન જીવન વિશ્વે પૂરતાં ગીત ગા ગા.

નકી નિજ કવિ શોધે વિશ્વના સૌ પદાર્થો,નિજ રસ કથવાને રાહ જોતાં સહુ છે;અગણિત યુગ વીત્યા, ગાઈ ચાલ્યાં હજારો,પણ વદન હજુ કૈં છેક અતૃપ્ત ભાસે.

છલકી વહી જતો કો મસ્ત થા પી મદિરા,મચવ જિગર માંહી ઇશ્કની ધૂન ઊંડી;ઊઠ ઊઠ ! શિખરો સૌ સ્વર્ગનાં તોડ જૂનાં,જનહૃદય મહીં તું ઊર્મિઓ અર્પ તાજી.

ન કદી મધુરતાનો હોય જો ધોધ તુંમાં,સખત સખત ભોળાં વજ્ર શાં ગીત ગા તો;પછી રસ યુગ સુધી પૂરશે પૂરનારા;તુજ જીવન પરે કો જીવશે લાખ જીવો.

Comments

Loading comments…