ભાવના અને વિશ્વ

કલાપીનો કેકારવ

ઉર ઠલવવા શોધી કાઢ્યાં સખા, લલના, અનેઉર ઠલવવા શોધ્યાં પુષ્પો ઝરા, તરુઓ વને;ઉર ઠલવવા પાળ્યાં પંખી, સુણ્યાં મૃદુ ગાયનો,ઉર ઠલવવું એ તો ક્યાંયે બન્યું જ નહીં, અહો !

અહીં તહીં બધી લીલા લૂખી જહીં નવ એ બન્યું,જગત સઘળું નીલું ના ના વસન્ત મહીં ગમ્યું;રમણીયપણું આ સંસારે અતૃપ્ત બધું દિસે,જગત ઉપરે સ્વપ્ને કોઈ ઠર્યું ન ખરૂં દિસે.

કમલકલીએ ભોગી ભૃંગો લપી શમણે ઢળ્યા,કમલદલના મીઠાં સ્વપ્ને અનેક રમી રહ્યા;કમલવનમાં ઉગ્યે ભાનુ ફરી ફરતા બન્યા,પણ ગણગણી રોવાથી ત્યાં અધિક નથી ઠર્યા.

રવિ નવ ઉગે દ્‍હાડે જે ત્યાં હતો રજની મહીં,ઝરણ ધરતાં લાલી સ્વપ્ને ધરે નવ તે અહીં;હૃદય ઠલવ્યું ઝીલી લેવા હતો કર કોઈ ત્યાં,નયન ઉઘડ્યું, ખોવાયો એ ભળી જઈ વ્યોમમાં.

જગત સઘળું ઘૂમી શોધ્યું, ફરી ન કદી મળે !મધુર કર એ વિશ્વે પાછો ફરી ન કદી ઢળે !નયન ઉઘડ્યું, ને બેતાલું બસૂર બધું બન્યું !નયન ઉઘડ્યું, વંઠ્યું મીઠું રહ્યું કટુ આંસુડું !

નયન નિરખી રોવા લાગે અહીં સહુ સ્થૂલતા,રમત રમતાં લાવણ્યે એ સુસૌષ્ઠવહીનતા;અમર રસનાં બીબાં આવાં બધાં વરવાં, અરે !ઝળહળ થતું તેની છાપો મલિન અહીં પડે !

અધર લલના મીઠો મીઠો ધરે અધર ભલે,કુમકુમ ભરી હાથેલીથી જડે ઉરથી ભલે;સ્તનતટ પરે રોમાંચોનાં ભલે વન ઊગતાં,પરિશ્રમભર્યા સ્વેદે છિદ્રો ભલે સહુ ઉઘડ્યાં.

પણ રસ મહીં એવાંથી એ પ્રવેશ નહીં મળે,કંઈક રડવું મ્હારે, તેને, રહ્યું જ રહ્યું ખરે;હૃદય ધડક્યાં, બોલ્યાં, ગાયાં, રડ્યાં, બથમાં ભર્યાં,પણ રસ તણાં ખુલ્લાં નેત્રે ન દર્શન સાંપડ્યાં !

શરીરપટનાં આત્મા માટે ન આવરણો ઘટે,રસમય થતા આડા સ્થૂલો તણા પડદા ચડે;જગત સઘળું ન્હાનું ન્હાનું અનન્ત વિહારને,પણ રમતમાં ટૂંકી વાડે દડા અટકી પડે.

સ્થલસમયને છોડી ક્યાં એ ન દેહ ઉડી શકે,ફડફડ થતી પાંખો માટે ન દ્વાર મળી શકે;અમર રસને એથી બીજો ન વાહક વા મળે,નવ અહીં મળે સ્વપ્ને છે તે અખંડિત ના રહે.

હૃદય ઠલવી ત્‍હોયે ક્યાં ક્યાં જતાં જન બાપડાં,હૃદય ઠલવ્યું ત્યાં ત્યાં ભાસે બન્યાં સપનાં ખરાં;હૃદય રમતું આહ્‌લાદોમાં ઘડી વિષમાં ચડી,અમર રસની જાણે લ્હેરી તહીં જ થતી ખડી.

અધર લલના દે ત્યાં ભાસે અનન્ત સુવાસ કો,સ્તનતટ તણી ગાદી ભાસે અભંગ કુમાસ કો;નયનઝરણે જાદુ ભાસે અખંડ નવીનતા,અલક અલકે ઝાંખી દેતાં પ્રભુત્વ નવાં નવાં.

કલમ લઈને જાણે એને સદા ચિતર્યા કરૂં,કવિત લવતાં જાણે એને સદા ય કથ્યા કરૂં;પણ ત્રુટિત એ ! ત્‍હોયે મીઠી તહીં રસધાર છે,અમર રસનાં એવાં બિન્દુ અહીં ઉપકાર છે.

પણ અમરતા વિશ્વે સ્થૂલે કદી નવ સમ્ભવે,ચપલ પલમાં આત્માને ના કશીય મજા મળે;સ્મિત અહીં કરો તો તો જૂની સ્મૃતિ વિસરી જશો,સ્મરણ ધરતાં રોવું એમાં ન અન્ય ઇલાજ કો.

ભ્રમર કમલે બીડાતા છો અને ઉડતા ભલેઅનિલલહરી પુષ્પોનું કૈં ભલે ગ્રહવા મથે;

ક્ષણિક શમણે લે સૌ લ્હેરો ભલે ઉપભોગની,રસમય થવું શારીરીને બને જ બને નહીં.

ઉર ઠલવવા ખાલી ઢુંઢ્યાં સખા, લલના, અનેઉર ઠલવવા ખાલી શોધ્યાં ઝરા, તરુઓ વને;ઉર ઠલવવા પાળ્યાં પંખી - બધાં જ વૃથા નકી,ઉર ઠલવવું - એ તો ક્યાંયે મળે જ મળે નહીં !

Comments

Loading comments…