મ્હારું કબૂતર
કલાપીનો કેકારવ
સુખે ચાલ્યો જતો દિવસ સુખમાં ના ગત થશે!મળ્યા અલ્પાનન્દો મનુજ દિલને તે ખરી જશે!રહેશે રોવું! તે રુદન મનુનું બાન્ધવ ખરૂં:બધું વ્હાલું બીજું મરણશરણે જાય વહતું.
હતું મેં પાળ્યું ને કબૂતર રહ્યુ’તું ઘૂઘવતું,ઊછેર્યું ’તું પ્રેમે, કનકમય આ પિંજર પૂર્યું;પહેરાવ્યાં મુક્તાજડિત રૂડલાં ઝાંઝર પગે,ફરન્તું ભોળું તું સૂરખ પગ ન્હાના ઠમકતે !
અરેરે ! પૂર્યું કાં? જડ કનક પ્યારું ન તુજને;સુવર્ણે લોભાયા કૃપણ શઠ એ તો જન અમે;તને નીલી વ્હાલી ઘટ વનઘટા નીલમ સમી;ગણે મોતી હીરા વિભવરચના તુચ્છ સઘળી.
તને બન્ધે નાખ્યું ! દિલ મતલબી કાં મુજ થયું?અરે ! ત્હોયે ત્હારૂં મુજ પર વ્હાલ અધિકું!અહો ! ત્હારૂં હૈયું પ્રણયરસભીનું પરગજુ,દુઃખી હું હોઉં તો મન રીઝવવા નૃત્ય કરતું !
તને કેદી કીધું ! હૃદય ! મમ પ્રેમે ન સળગ્યું !હતું સ્વચ્છંદી તું, પરવશ કર્યું મેં અહ પ્રભુ !મનુષ્યો સંહારી સુખદ રતિબન્ધો કુદરતી –અરે ! ભોળાં પ્રાણી પર ચલવે રાજ્ય જુલમી !
મીઠાબોલી ભીરુ કબૂતરી વિયોગે મરી હશે,મર્યું આજે તું ઝૂરી ઝૂરી પ્રિયાના જ વિરહે;વિયોગે ભૂલાયે પ્રીતિ, જન વૃથા એમ વદતાં,ભૂલાયે ભૂંસાયે પ્રીતિ નહિ જ, એ સ્વાર્થસપનાં !
પૂરું આનન્દી ને પરમ સુખિયું બ્રહ્મરૂપ તું,અહો ! ‘ઘૂઘૂ’ શબ્દે પ્રણયધ્વનિ ઊંડો ગજવતું;
અરે ! પંખી ! મ્હારૂં પતિત દિલ આ પાવન કરી,સ્વધામે ચાલ્યું તું, કસૂર મમ શું માફ ન કરી!
પ્રિયે ! બચ્ચાં વ્હાલાં ! તમ સમ હતું તે મરી ગયું,જતાં તે પારેવું ગૃહ મમ થયું શૂન્ય સરખું;થયું થાવાનું તે, થઇ ગયું ‘થયું ના’ નહિ થશે,ઉન્હાં અશ્રુ ત્હોયે દિલ રુધિર શાં વ્યર્થ વહશે!
અરે ! કો’ પ્યાલામાં શરબત ભર્યું તે પડી ગયું,ઢળ્યું પાણીમાં ને ઉદધિવીચિ માંહી મળી રહ્યું;ન પીવાયું, ખોયું, પણ નવ ગયું પૃથી પરથી,રહ્યાં તત્વો મીઠાં ઉદધિ કડવામાં ભળી જઈ!
અહો ! આ પારેવું શરબત હતું, અમૃત હતું,બૂરાં ભાગ્યે મ્હારાં મમ ગૃહ તજ્યું, એ મરી ગયું;મર્યું, ખોવાયું, વા ઢળી ગયું કહો, કે ઉડી ગયું,ભળ્યાં ભૂતે ભૂતો; લય નથી થયું એ કબૂતરૂં!
Comments
Loading comments…