વનમાં એક પ્રભાત

કલાપીનો કેકારવ

ભૃં ભૃં ભૃં ગુંજ પ્રેમી ષટપદ કમલે અર્ધખીલ્યું રહ્યું એ,જો તે બાલાર્ક ઘેલો નિજ કર જલમાં ધ્રૂજતો આ ઝબોળે!માની પ્યારી મનાવે મુખ પર ખરતાં આંસુડાં લૂંછતો એ,અંકે લીધી, હસાવી, નરમ વચન એ નેત્ર કેવાં વદે છે!

કાન્તા ને કાન્ત હીંચે, તનમન દ્વયનાં એક છે સ્નેહભીનાં,ન્હાનાં-મ્હોટાં સુરંગી મકર ચળકતાં હીંચકાવે રસીલાં;રાતી નીલી મધુ પી કુમુદિની પરથી ફૂદડી રંગવાળી,પીળો પ્યારો હિમાંશુ નિરખી લટકતો બાપડી ચિમળાઈ!

કૂળું મ્હોં એ છબીલું હૃદયજ્વરબળાપે નીચાણું નમ્યું છે,કમ્પે બાલા બિચારી થરથર, બદને સ્વેદની રેલ ચાલે;આહા! સ્નેહી! તમારે જલ પર વસવું સાથ છો રાતદહાડો,જુદાં પ્રેમી તમારાં દિલ પણ અળગાં, આમ રોવો-હસો છો!

ત્યાં પેલું જો હરિણું નદતટ પર એ ચાવતું ઘાસ નીલું,આછાં રૂડાં રૂપેરી કિરણ રવિ તણાં એ બધું ઘાસ છાયું;વૃક્ષોનાં ઝૂંડ ઊંચાં પર ઢલકી રહી વેલડી કુમળી જો,પુષ્પોના પુંજ ઝૂમ્યા વિવિધ વિલસતાં આ રૂપાળા લળ્યા, જો!

કુંજોમાં જ્યાં ઉડન્તું બુલબુલ રમતું બેસતું ને ફરંતું,ઓ! ત્યાં બેઠું લપી ચંડુલ ગુલ પર જો વાણી મીઠી લવન્તું;ત્યાં આકાશે પડ્યો છે સ્થિર ઘનકટકો શ્વેત ને પિંગળો તે,તેજસ્વી એ ડગે છે નિજ રૂપ બદલી, શાન્ત પાછો થયો છે.

તારો તૂટ્યો નભેથી ખરરર ખરતો, તોપગોળો વછૂટ્યો,રાતો વહ્મિભભૂકો ભડભડ બળતો આભમાં ઊડી ચાલ્યો;

ગંગાનો ધોધ ફાટ્યો ગિરિશિર પરથી, રામનું બાણ છૂટ્યું,તેવો તે શૃંગવાળો મૃગજલઝરણું ફાળથી કૂદી ચાલ્યો!

ઊભો ત્યાં સિંહરાજા ઘરઘર ઘરરે, જોરથી ત્રાડ દેતો,ડોલાવ્યા ડુંગરોને, રવિ પણ ચમક્યો લાલ અંગાર જેવો;પક્ષી બોલે ન ચાલે, દ્રિમ પણ ધણણ્યાં, પૃથ્વી ધ્રૂજી રહી આ!આ તે બ્રહ્માંડ ફાટ્યું ! પ્રલય થઈ ગયો ! શુંભુએ શંખ ફૂંક્યા !

આલિંગે ભવ્ય લીલા નદસરજલને પ્રેમમાં મસ્ત ડોલે,ઊડી બાઝે સુસ્નેહી હૃદય-હૃદયના સત્ત્વને જેમ પ્રેમે!ઘેલો હું એ રમું છું! તનમન લપટ્યાં! રમ્ય છું, એક હું છું:વેલી, વૃક્ષો, નદી, ને ગિરિ, નભ ઝરણે લીન હું સર્વદા છું.⁠૧૯-૩-’૧૮૯૩

Comments

Loading comments…