હમારી સ્થિતિ - હમારું કિસ્મત
કલાપીનો કેકારવ
હમારે તો ચમનમાંથી ગુલોના ખાર છે આવ્યા !હમારે તો જહાંમાંથી બધે જલ્લાદ છે આવ્યા !
નથી પીનારને કોને હમારૂં ખૂન આ ભાવ્યું !ઝુકેલી ડોક પર ખંજર ન દેવું કોણને ફાવ્યું ?
હમારૂં ખૂન દિલબરને શીશી શરબત તણી ઠેરી !હમોને તેગ એની એ દવાઓ દર્દની ઠેરી !
અરે ! જે અન્યની આંખે ડરે છે આંજતાં સુરમો -હમારી આંખનો તે તો કરીને આંજતી સુરમો !
હમે જેને અમી માન્યું, હમોથી દૂર એ ચાલ્યું !જિગરથી ઝેરનું પ્યાલું તસુ એ દૂર ના ચાલ્યું !
હમોને આ જહાંઓનો બતાવ્યો માશૂકે રસ્તો !સનમ જેવી જહાં તેવી, બધે એ એક છે રસ્તો !
નકી એ એ જ ખંજરથી હમોને કોઈ દી ખોશે !પછી તો રોઈ અક્કલ બધી પોતાની એ ખોશે !
કબરમાં જ્યાં હમે જાશું ફૂલો ત્યાં આવશે દેવા !મગર આ ઝિન્દગીમાં તો બની ભાલા સદા દેવા !
અરેરે ! આશકોની તો વધારે મોત છે કિસ્મત !સનમને જીવનારાની નહીં કોડી તણી કિમ્મત !
શરાબો પી હમોએ સુખોમાં ભાન ના રાખ્યું !સુખોનું દૂરનું નામે હવે તો છે દિલે રાખ્યું !
નહીં જે આપતા તેને હવે આ માગવું આવ્યું !બૂરું એ માગવું આવ્યું, અગર આ માગ્યે ન કૈં આવ્યું !
મળેલું માગતાં જેને નકી તે માગતાં આપે !ખુદાએ ના ત્હને આપ્યું ! પછી તું શું મ્હને આપે ?
ભિખારી સૌ ભિખારીથી જહાંમાં ભીખ માગે છે !હમારૂં કિસ્મતે કાંઈ સદા એવું જ માગે છે !
Comments
Loading comments…