હું ત્હારો છું

કલાપીનો કેકારવ

અરે મીઠા આત્મા ! મુજથી કર જે હોય કરવું,સદાનો ત્‍હારો હું, અરર ! પણ એ ના વિસરવું;દુઃખે ડોળાયેલી લહરી મુજ હૈયા ઉપરની,સુવાડું છું તેને પ્રણય અણમૂલો તુજ સ્મરી.

રહી થોડી બાકી તુજ પ્રણયની એક કણિકા,નહીં ઢોળું તેને ! જીવિત મુજ ઢોળું ક્યમ ભલા ?!વિનોદે તેને તો હૃદય મુજ આશ્વાસિત કરીહજુ મીઠાં ગીતો મરણ સુધી હું ગાઈશ, સખિ !

દુઃખોની જ્વાલાથી સુરસ સુખપંખી ફફડશે,વિચારો સૌ મ્હારા ઝળહળ થતી પાંખ ધરશે;નભે નાચન્તી તે લહરિ સ્વરનીમાં ભળીશ હું -તહીં સુધી એવાં મધુર ગીત ગાઈ શકીશ હું.

અહોહો ! એવું કૈં તુજ જિગરનું આ જિગરમાં,હજો એવું મ્હારૂં કંઈક પણ ત્‍હારા હૃદયમાં;અરે ! બન્ને વચ્ચે પ્રણય વસતો એક દિવસે,નિશાની તેની એ તુજ હદયને શું નવ રુચે ?

મ્હને ખેંચે છે તે તુજ જિગરને શું નવ અડે ?ન શું મ્હારે માટે તુજ જિગરમાં સ્થાન જ ન મળે ?અરે ! હું તો ત્‍હોયે જરૂર વસનારો તુજ ઉરે !અરે ! ત્‍હોયે તુંને હજુ લઈ જનારો નભ પરે !

Comments

Loading comments…