કડવું-૧૧
ઓખાહરણ
ઓખા કહી ઉમિયાએ, સાદ કર્યા બે ચાર;ત્યારે ઓખા આવી ઊભી, નીસરીને ઓરડી બહાર. (૧)
મરાવી ભાઈને, તું તો નાસી ગઈ;મહાદેવે ગણપતિને માર્યો, તે સુધા મને નવ કહી. (૨)
તારું અંગ ગળજો, લુણે ગળજો કાય,દૈત્યના કુળમાં અવતરજે, એણી પેરે બોલ્યાં માય. (૩)
ઓખાબાઈ થરથર ધ્રૂજ્યા, એ તો વાત અટંક;અપરાધ પાખે માતા મારી, આવડો શો દંડ ?. (૪)
ઉમિયા કહે મેં શાપ દીધો, તે કેમ મિથ્યા થાયદૈત્યકુળમાં અવતરજે, દેવ વરી કોઈ જાય . (૫)
ચૈત્રના મહિનામાં બાઇ, તારો રે મહિમાય;ઓખાહરણ જે સાંભળે, મહારોગ થકી મૂકાય. (૬)
ચૈત્રમાસના ત્રીસ દહાડા, અન્ન અલુણુ ખાય;ત્રીસ નહિ તો વળી પાંચ દહાડા. પાછલા કહેવાય. (૭)
પાંચ દિવસ જો નવ પળે તો, ત્રણ દિવસ વિશેક;ત્રણ દિવસ નવ થાય તો, કરવો દિવસ એક. (૮)
એ પ્રકારે વ્રત કરવું, સમગ સ્ત્રીજન;અલવણ ખાએ ને અવની સુવે, વળી એક ઉજ્વળ અન્ન. (૯)
દેહ રક્ષણ દાન કરવું, લવણ કેરું જેહ;પાર્વતી કહે પુત્રીને, સૌભાગ્ય ભોગવે તેહ. (૧૦)
વૈશાખ સુદી તૃતિયાને દિને, તું આવજે મુજ પાસ;ગૌર્ય કરીને પુત્રી મારી, પૂરીશ મનની આશ. (૧૧)
શુકદેવ કહે રાજા સુણો, અહીં થયો એહ પ્રકાર;હવે બાણાસુરની શી ગત થઈ, તેનો કહું વિસ્તાર. (૧૨)
વલણ—કહું વિસ્તાર એનો, સુણી રાજા નિરધાર રે;હવે બાણાસુર ત્યાં રાજ કરતો, શોણિતપુર મોઝાર રે. (૧૩)
Comments
Loading comments…