કડવું-૧૨

ઓખાહરણ

રાય બાણાસુરને બારણે, વાળવા આવી રે ચંડાળણી;નિત્ય પડી રજ વાળીને કર્યું ઝાકઝમાળ. બાણાસુરને બારણે. (૧)

રાય મેડિયેથી હેઠો ઉતર્યો, થયો પ્રાતઃકાળ;મુખ આગળ આડી ધરી સાવરણી તે સાર. બાણાસુર૦ (૨)

રાય બાણાસુર વળતી વદે, મનમાં પામી દુઃખ;મુજને દેખીને કેમ ફેરવ્યું, અલી તારું રે મુખ. બાણાસુર૦. (૩)

ત્યાં ચંડાળણી વળતી વદે, સાંભળીયે રાય;તમો ઊંચ અમો નીચ છું, મુખ કેમ દેખાડાય. બાણાસુર૦. (૪)

ત્યારે બાણાસુર વળતી વદે, સાંભળ રે ચંડાળણી;સાચું રે બોલને કામની, કરું બે કકડાય. બાણાસુર૦. (૫)

ત્યારે ચંડાળણી; વળતી વદે, સાંભળો રાજન;સાચું બોલું જેવો ઘટે, તેવો દેજો દંડ. બાણાસુર૦. (૬)

પ્રાતઃકાળે જોઇએ નહિ, વાંઝિયાનું વદન;તમારે કાંઇ છોરું નથી, સાંભળો હો રાજન. બાણાસુર૦.(૭)

Comments

Loading comments…