કડવું-૧૫

ઓખાહરણ

ઉમિયા વાણી બોલિયાં, તું સુણ બાણાસુર રાય;તારા મનમાં જો ગમે તને, આપું એક કન્યાય. (૧)

ત્યારે બાણાસુર કહે, પુત્રી મારે કોટીક પુત્ર સમાન;મુજને ટાળે વાંઝિયો, આપો એ વરદાન. (૨)

કોઇક દેશનો રાજા જોઇશ, રાખશે મારું નામ;પોષ માસથી પૂરણ માસે, પુરણ થશે કામ. (૩)

વર પામી બળીઓ બાણાસુર, શોણિતપુરમાં જાય;બાણામતીને ગર્ભ રહ્યો છે, તેનો કહું મહિમાય. (૪)

પોષ માસથી પુરણ માસે, પ્રગટ થઈ કન્યાય;વધામણિયા પરવરિયા, રાજસભામાં જાય. (૫)

શાણા જોશી તેડિયા, તેની જન્મપત્રિકા થાય;વિદ્યાબળે કરી ગુરુજી બોલ્યા, પોતે તેણીવાર. (૬)

પહેલી ઉમિયાજીના અંગથી, પ્રગટી છે કન્યાય;તેને નામે રાશી જોઇને, નામ ધરો ઓખાય. (૭)

ગ્રહ વેળા શુભ લગ્નમાં, સંતાન પ્રગટી સાર;એથી તારા હાથનો, વેગે ઉતરશે ભાર. (૮)

ત્યારે આકાશવાણી એવી થઈ, તું સાંભળને ભુપ નિરધાર;એ પુત્રી ઇચ્છાવર વરશે, કો કારણ રૂપકુમાર. (૯)

જ્યારે પુત્રી પરણશે, વરતશે હાહાકાર;ભાર ઉતારશે તુજ હાથનો, તુજ જામાત્ર તે વાર. (૧૦)

તે માટે તેડી પ્રધાન, એણીપેર પુછે છે રાજન;દેવ વચન મિથ્યા નવ થાય, તે માટે કરવો શો ઉપાય ? (૧૧)

રચો માળિયા સુંદર સાર, તે માટે કરો ઉપાય;ઓખા અને ચિત્રલેખાને, મેલો મંદિર માળિયા માંય રે. (૧૨)

Comments

Loading comments…