કડવું-૩૦

ઓખાહરણ

પ્રેમે પ્રદક્ષિણા કરીને, કરજોડી ઊભી બાળ;પારવતી કહે માગ્ય વર, હું આપું તે તત્કાળ. ૧.

ઓખા વળતું વચન બોલી. હરખશું તેણી વાર,માતા મુજને આપીએ, મારા મનગમતો ભરથાર. ૨.

ત્રણ વાર માગ્યું ફરી ફરીને, વર આપો આ દિશ;લાજ મૂકીને ઓખા બોલી, તવ ચઢી પાર્વતીને રીસ. ૩.

નિર્લજ થઈ તેં કામ જ કીધું, માટે દઉં છું તુજને શાપ;જા પરણજે ત્રણ વાર તું, એમ બોલ્યાં પાર્વતી આપ. ૪.

વળી ત્રીજે કહ્યું ને તેરસે તારે, ત્રણ હજો ભરથાર:શાપ એવો સાંભળીને, કંપી રાજકુમાર. ૫.

પુરુષને નારી ઘણેરી, તું સાંભળ મોરી માય;નારીને તો પુરુષ બીજો, શ્રવણે ન સુણ્યો જાય. ૬.

સુંદર માધવ માસ આવશે, દ્વાદશીનો દન;ત્યારે સ્વપ્નમાં આવી પરણશે; પ્રાણ તણો જીવન. ૭.

તું જાગ્યાં કેડે ઓળખશે, તુને કહું છું સત્ય વિવેક;ત્રણવાર તું પરણશે, પણ વર તો એકનો એક. ૮.

વર પામી ઓખાબાઈ ચાલ્યાં, મંદિર માળિયાં સાર;અરે બાઈ હું પરણી આવી, સુંદર ભરથાર. ૯.

એમ કરતાં ઓખાબાઇના, દિન ઉપર દિન જાય;સુંદર માધવ માસ આવ્યો; દ્વાદશીનો દિન. ૧૦.

સુંદર સજ્યા પાથરી, શણગાર્યું ભોવન;આજ સ્વપ્નાંતરમાં આવશે, મુજ પ્રાણ તણો જીવન. ૧૧.

સંધ્યા થઈ રવિ આથમ્યો, આથમિયો કશ્યપ તન;હજુએ ન આવ્યો, પ્રાણ તણો જીવન. ૧૨.

પહોર રાત વહી ગઈ ને, હજુ ન આવ્યું કોય;ઉમિયાજીએ વચન કહ્યું તે, રખે મિથ્યા હોય. ૧૩.

વા વાય ને બારી ડોલે, ખડખડાટ બહુ થાય;ના આવ્યા ઓ આવ્યા કહીને, તુરત બેઠી થાય. ૧૪.

તમો આવ્યા તે હું જાણું છું, મારી સગી નણંદના વીર;બોલ્યા વિના નહિ ઉઘાડું, હૈડે છે મને ધીર. ૧૫.

વીણા લીધી હાથમાં ને, ગીત મધુરું ગાય;ચેન કાંઇ પડે નહિ ને, ભણકાર બહુ થાય. ૧૬

તેવામાં એક બારણું, ખડખડવા લાગ્યું જ્યારે;ઓખાબાઇએ તો દોટ કરી, દ્વાર ઊધાડીયું ત્યારે. ૧૭

બાણાસુરે મહેલ રચ્યો છે, તેનો સ્થંભ જ એક;તે તણો પડછાયો તે, ઓખા નજરે દેખ. ૧૮

ઓ પેલા આવ્યા છો, તમ ઉપર જાઉં વારી;બોલ્યા વિના તો નહિ બોલાવું, હું છું ગુણવંતી નારી. ૧૯

બાણાસુર જો જાણશે તો, લેશે બેઉના પ્રાણ;શાને કાજે અહીં ઊભા છો, સાસુના સંતાન. ૨૦

ઓખાબાઇ તો માળિયામાં, પાડે છે બકોર;ઇશ્વર ને પાર્વતીએ, ગગને સાંભળ્યો શોર. ૨૧

ઇશ્વર કહે છે ઉમિયાજીને, કોણ રુવે છે નાર;ઉમિયા કહે છે મહાદેવજીને, ઓખા રુવે નિરધાર. ૨૨.

વચન આપણું મિથ્યા કરવા, બેઠી બાણકુમાર;તામસી વિધ્યા મોકલી તે, નિદ્રાનો ભંડાર, ૨૩.

મધ્યરાત તો વહી ગઈ ને, મીંચાણાં લોચન;સ્વપ્નાંતરમાં આવી પરણ્યો, પ્રદ્યુમનનો તન. ૨૪

Comments

Loading comments…