કડવું-૩૩
ઓખાહરણ
ચંદા તું તો જીવો કરોડ વરસ, સ્વપ્ને થયો સંજોગ;શાપ દઉં છું સૂરજ દેવતા, મુજ જાગે પડીઓ વિજોગ. ૧.
સ્વપ્નમાં મહારા પિયુજીશું, અમે કરતાં લીલા લહેર;અમૃતરસ હું પીતી હતી, તેમાં તેં મેલ્યું ઝેર. ૨.
કંથ વિજોગણ કામની, ગઈ પંડિતની પાસ;તમને પૂછું પંડિતો, એક દિન કીતના માસ. ૩.
ફરી ફરી પંડિત એ કહે, સાંભળ ઓખા કરજોડ;એક પળ પિયુ વિના, લાગે વરસ કરોડ. ૪.
ઓખા પૂછે ઓ પંખીડા, તારી બે પાંખો માગીશ;હું સજ્જનને મળી, તારી પાંખો પાછી દઈશ. ૫.
પાંખો પ્યારી પંથ વેગળો, તારો પિયુ કોણ જ દેશ;કોણ રંગે તારો પિયુ હશે, પહેરે કોણ જ વેશ. ૬.
લેખ લખ્યા છઠ્ઠી તણા, તે મટી કેમ જાય;કરમે લખ્યું તે ભોગવે, તેની પક્ષ કરે જદુરાય. ૭.
(રાગ:ઘરાડી)
મધ્ય નિશા સમે રે, માળીયામાં રોતી રાજકુમાર;ક્યાં ગયો ક્યાં ગયો રે, બાઈ મારા સ્વપ્નાનો ભરથાર. ૧.
મીંઢળ મારૂં ક્યાં ગયું રે, બાઈ મારો ચુડલો હતો જે હાથ;પીતામાં ઢળી ગયું રે, બાઈ મારે અમૃત આવ્યું જે હાથ રે. ૨.
પિયુ પરદેશિયા રે, ભૂંડા મને લીધી શે નવ સાથ;આજ વેરણ થઈ રે, બાઈ મારા સ્વપ્ના કેરી રાત. ૩.
લાવ સખી વીખ પીઉં રે, બાઈ મારો કાઢું પાપી પ્રાણ;હવે હું કેમ કરું રે, બાઈ મને વાગ્યાં વિરહના બાણ. ૪.
પાપી મારો જીવડો રે, ઓખાબાઈ પડતું મેલ્યું ધરણ;રોતાં રોતાં જ્યાં ગયાં રે, ઓખાબાઈએ રોપ્યું વાડી વન. ૫.
નાથ મેલી ગયાં રે, બાઈ કોણ જનમનાં પાપ;આજે વેરણ થઈ રે, બાઈ મારા સ્વપ્ના કેરી રાત. ૬.
જોબન મેં તો જાળવ્યું રે, જાણ્યું મારા પ્રભુને ભેટ કરીશ;જો પ્રભુ નહિ મળે રે, હું તો મારા પ્રાણ તજીશ. ૭.
Comments
Loading comments…