કડવું-૪૦
ઓખાહરણ
આપો આણી, એ વર મુને આપો હો આણી,નીકર કાઢું મારો પ્રાણ, એ વર મુને આપો હો આણી. (ટેક૦)
મેં તો સ્વપ્ને દીઠો જે છોગાળો રે, તેની પાંપણનો છે ચાળો રે;મારૂં મનડું હર્યું લટકાળે, તે વર મુને આપો હો આણી. (૧)
જેના દીર્ઘ બાહુ આજાન રે, મકરાકૃત કુંડળ કાન રે;અંગ શોભે એ ભીને વાન, તે વર મુને૦ (૨)
જેનાં લક્ષણ વીસ ને બાર, મુને પરણી ગયો જે કાલ રે;તેને વરસ થયાં દશ-બાર, તે વર મુને૦ (૩)
વરની લટકતી ચાલ રે, મને પરણી ગયો છે કાલ રે;તેને ટપકું કીધું ગોરે ગાલ, તે વર મુને૦ (૪)
રાજે પીતાંબર પરીધાન રે, મુને કહેતો ગયો નહિ નામ રે;ત્યારે ક્યાંથી સરે મારૂં કામ, તે વર મુને૦ (૫)
ચિત્રલેખા બોલી વાણ રે, સહિયર કેમ થઈ અજાણ રે;બાઈ દ્વારિકા તે જાયે કોણ, તે વર મુને૦ (૬)
કોટ કાંગરે ચામુંડાય રે, છપ્પન કરોડ તે ચોકીમાંય રે;ચક્ર ઝળહળતું ત્યાંય રે, મુને મારે હેલામાંય. તે વર મુને૦ (૭)
Comments
Loading comments…