કડવું-૪૧

ઓખાહરણ

ઓખા કહે છે સુણ સાહેલી, લાવ્ય કંથને વહેલી વહેલી;બાઈ તું છે સુખની દાતા, લાવ્ય સ્વામીને સુખ શાતા. (૧)

ચતુરાને કહે ચિત્રલેખા, બાઇ આણ્યાના ઉપાય કેવા;દૂર પંથ દ્વારામતી, કેમ જવાય મારી વતી. (૨)

ત્યાં જૈ ન શકે રાય શક્ર, રક્ષણ કરે સુદર્શન ચક્ર;જાવું જોજન સહસ્ત્ર અગિયાર, તારો કેમ આવે ભરથાર ? (૩)

નયણે નીરની ધારા વહે છે, કર જોડીને કન્યા કહે છે;બાઈ તારી ગતિ છે મોટી, તને કોઈ ન કરી શકે ખોટી. (૪)

સહિયરને સહિયર વહાલી, છે મેં જમણા હાથે ઝાલી;આપણ બેઉ જણ સંગાથી, તું પ્રાણ દાતા છે વિધાત્રી. (૫)

મા-બાપ વેરી છે મારાં, મેં તો ચરણ સેવ્યા છે તમારાં;વિધાત્રી તું દીનદયાળ, એમ કહી પગે લાગી બાળ. (૬)

કીધો ચિત્રલેખાએ વિચાર, જાવા દ્વારકા મોઝાર;ચિત્રલેખાએ ધારણા દીધી, પછી દેહ પક્ષિણીની કીધી. (૭)

Comments

Loading comments…