કડવું-૫૨
ઓખાહરણ
વર્ષાઋતુ વહી ગઈ રે, રમતાં રંગ વિલાસ;સુખ પામ્યા ઘણું રે, એટલે આવ્યો અશ્વિન માસ. (૧)
એક સમે સહિયર આવી, શરદ પુનમની રાત;માણેકઠારી પૂર્ણિમા રે, ઉત્તમ દીસે આસો માસ. (૨)
ચંદ્રમાને કિરણ બેઠાં, હિંડોળે નરનાર;હસ્યવિનોદમાં રે, કરતાં વિવિધ વિલાસ. (૩)
રક્ષક રાયના રે, તેણે દીઠી રાજકુમારી;કન્યા રૂપ ક્યાં ગયું રે, ઓખા દીસે મોટી નારી. (૪)
ચિત્રલેખા ક્યાં ગઈ રે, એકલી દીસે છે ઓખાય;રાતી રાતી આંખલડી રે, ફુલી દીસે છે કાય. (૫)
હીંડે ઉર ઢાંકતી રે, શકે થયા છે નખપાત;અધરમાં શ્યામતા રે, કોઈક પુરુષદંતનો ઘાત. (૬)
સેવક સંચર્યો રે, એવો દેખીને દેદાર;મંત્રી કૌંભાંડને રે, જઈને કહ્યાં સમાચાર. (૭)
પ્રધાન પ્રવર્યો રે, જ્યાં અસુર કેરા નાથ;રાયજી સાંભળો રે, મંત્રી કહે છે જોડી હાથ. (૮)
લોકીક વાર્તારે, કાંઈક આપણને લાંછન;જીભ્યા છેદિએ રે, કેમ કહીએ વજ્ર વચન. (૯)
બાળકી તમ તણી રે, તે તો થઈ છે નારી રૂપ;સુણી વાર્તા રે, આસનથી ઢળીઓ ભૂપ. (૧૦)
ધ્વજા ભાંગી પડી રે, એ તો અમથી અકસ્માત;બાણ કોપ્યો ઘણો રે, મંત્રી સાંભળ સાચી વાત. (૧૧)
શિવે કહ્યું તે થયું રે, તારી ધ્વજા થશે પતન;તે વારે જાણજે રે, રિપુ કોઈક થશે ઉત્પન્ન. (૧૨)
જુઓ મંત્રી તમો, પુત્રી કેરી પેર;તેને કોઈ જાણ નહિ, તેમ તેડી લાવો ઘેર. (૧૩)
પ્રધાન પરવર્યો રે, સાથે ડાહ્યા ડાહ્યા જન;ઓખાને માળિયે રે, હેઠે રહીને કહે છે વચન. (૧૪)
કૌંભાંડ ઓચાર્યો રે, ઓખાજી દ્યોને દર્શન;ચિત્રલેખા ક્યાં ગઈ રે, ચાલો તેડે છે રાજન. (૧૫)
થરથર ધ્રુજતી રે, પડી પેટડીમાં ફાળ;શું થાશે નાથજી રે, આવી લાગી મહા જંજાળ (૧૬)
રખે તમે બોલતા રે, નાથજી દેશો ના દર્શન;મુખ ઊડી ગયું રે ઓખા, નીર ભરે લોચન. (૧૭)
બાળા બહુ વ્યાકુળી રે, કોઈ કદળી કરે વર્ણ;કેશ ગુંથ્યા વિના રે, કંચુકી પહેરી અવળે વર્ણ. (૧૮)
બારીએ બાળકી રે, ઊભી રહીને ત્યાં આવી;કૌંભાંડે કુંવરીને રે, ભયંકર વચને બોલાવી. (૧૯)
ચિત્રલેખા ક્યાં ગઈ રે, તું એકલડી દીસે બાળ;કન્યારૂપ ક્યાં ગયું રે, ખીજશે બાણ ભૂપાળ. (૨૦)
શરીર સંકોચતી રે, કરતી મુખડા કેરી લાજ;ઘરમાં કોણ છે રે, મુજને સાચું કહોને આજ. (૨૧)
ગંડસ્થળ કર ધરી રે, કોઇ પુરુષ દંતનો ઘાત;શણગટ તાણતી રે, બોલી ઓખા ભાંગી વાત. (૨૨)
દિલ સારું નથી રે, ચિત્રલેખાએ કીધું શયન;તેણે હું આકળી રે, દુઃખણી નીર ભર્યું લોચન. (૨૩)
મંત્રી ઓચર્યો રે, ઓખા બોલી આળ પંપાળ;હેઠ ઊતરો રે, નહિ તો ચડીને જોઈશું માળ.(૨૪)
(વલણ)
માળ જોઈશું તમતણો, ભાગશે તમારો ભાર રે;એવું જાણીને ઊતરો, રાય કોપ્યા છે અપાર રે. (૨૫)
Comments
Loading comments…