કડવું-૫૩
ઓખાહરણ
કન્યાએ ક્રોધ જણાવીઓ, હાકોટ્યો પ્રધાન;લંપટ બોલતા લાજે નહિ, ઘડપણે ગઈ શાન. કન્યાએ૦ (૧)
પાપી પ્રાણ લેવા ક્યાંથી આવિયો, બોલતો શુદ્ર વચન;એ વાત સારુ કરવી જોઈશે, જીભલડી છેદન. કન્યાએ૦ (૨)
હું તો ડાહ્યો દાનવ, તને જાણતી ભારેખમ કૌભાંડ;એવું આળ કોને ન ચડાવીએ, ભાંગી પડે રે બ્રહ્માંડ. કન્યાએ૦ (૩)
કહેવા દેને તું મારી માતને, પછી તારી વાત;હત્યા આપું તુજને, કરું દેહનો પાત. કન્યાએ૦(૪)
કૌભાંડ લાગ્યો કંપવા, પુત્રી પરમ પવિત્ર;પછી કાલાવાલાં માંડિયાં, ન જાણ્યું સ્ત્રીચરિત્ર. કન્યાએ૦ (૫)
બાઇ રાજાએ મને મોકલ્યો, લોકે પાડ્યો વિરોધ;ઓખાજી પૂછવા માટે, આવડો શો ક્રોધ ? કન્યાએ૦ (૬)
એવું કહેતા સેવક મોકલ્યો, બાણાસુરની પાસ;રાજાએ મંત્રીને કહાવિયું, જુઓ ચઢીને આવાસ. કન્યાએ૦ (૭)
કૌભાંડ કોપ કરીને ગાજીઓ, વગડાવ્યાં નિશાન;માળિયેથી બંને ઉતારો, બાણાસુરની આણ. કન્યાએ૦(૮)
દાસને આપી આજ્ઞા, સ્થંભ કરોને છેદન;ઓખાએ આંસુડા ઢાળિયાં, ચંપાશે સ્વામીન. કન્યાએ૦ (૯)
હોંકારો અસુરનો સાંભળી, ઊભો થયો અનિરુદ્ધ;મેઘની પેઠે ગાજીઓ, કંપી નગરી બુધ. કન્યાએ૦ (૧૦)
મંત્રી કહે સુભટ સાંભળો, કોઇ જોદ્ધો બોલ્યો અહીં;આપણા નાદે ઊઠ્યો, મેઘ શબ્દથી સહી. કન્યાએ૦ (૧૧)
ઓખાએ નાથને બાથમાં, ઘાલ્યો શું જાઓ છો વહી;મરડી જાઓ જુદ્ધને, હવડાં જાઉં કહી. કન્યાએ૦ (૧૨)
આ શો ઉદ્યમ વઢવા તણો, નથી બાપુનું ધામ;દાનવને માનવ જીતે નહિ, ન હોય ઋતુ સંગ્રામ. કન્યાએ૦ (૧૩)
નાથ કહે સુણ સુંદરી, વાત સઘળે થઈ;હવે ચોરી શાની આપણે, બેસીએ બારીએ જઈ. કન્યાએ૦ (૧૪)
(વલણ)
જઈ બેઠાં નરનારી, બંને વાત વિપરીત કીધી રે;છજે ભજે કામ કુંવરે, ઓખા ઉછંગે લીધી રે. (૧૫)
Comments
Loading comments…