કડવું-૫૬

ઓખાહરણ

ઘેલી નારી કાલાવાલા, જે કરે તે ફોક;અમે એવું જુદ્ધ કરીએ, તે જાણે નગરના લોક. (૧)

તું જાણે પિયુ એકલાને, હાથ નહીં હથિયાર;તારા બાપે ચાર લાખ મોકલ્યા, તે મારે માના છે ચાર. (૨)

તું જાણે પિયુ એકલાને, કર નહિ ધનુષ ને બાણ;એક ગદા જ્યારે ફરશે ત્યારે, લઈશ સર્વના પ્રાણ. (૩)

ચિત્રલેખા ચતુરા નારી, વિધાત્રીનો અવતાર;ઓખાએ તે ધ્યાન ધરિયું, આવી માળિયા મોઝાર. (૪)

એવું એમ કહીને જોયું શય્યામાં, ગદા તો નવ દીઠી;ચમકીને પૂછ્યું ચિત્રલેખાને, અંગે લાગી અંગીઠી. (૫)

ચિત્રલેખા કહે મહારાજા હું તો, ચતુરા થઈને ચૂકી;મેં જાણ્યું મુજને મારશે, ગદા ક્યાંય મૂકી. (૬)

અનિરુદ્ધ કહે શાને વઢું, મારે હાથ નથી હથિયાર;ચિત્રલેખાએ નારદ સંભાર્યા, માળિયા મોજાર. (૭)

નારદ કહે મુજને કેમ સંભા્ર્યો, કૌભાંડ કેરી તન;મહારાજ જુદ્ધે ચઢે અનિરુદ્ધ, દેજો આશીર્વાદ વચન. (૮)

નારદે આશીર્વાદ દીધો, સૌભાગ્યવંતી ઓખાબાઈ;ભાલોભલો પુત્ર પ્રદ્યુમનનો, ચિરંજીવી અનિરુદ્ધભાઈ. (૯)

ભલો તું પ્રદ્યુમનનો, વીરા ઘણો વિકરાળ;અંતરીક્ષ ઊભો હું જોઉં છું, આણ સરવનો કાળ. (૧૦)

અલ્યા ઘણી વાર તો બેસી રહ્યો ને, વાત તણું નહિ કામ;બૈરામાં બાકરી બાંધી, તેમ બોળ્યું બાપનું નામ (૧૧).

અનિરુદ્ધ કહે શાને વઢું, હથિયાર નથી કંઈ એક;જોદ્ધા જા જા શોર કરે છે, ત્યાં શો કરવો વિવેક. (૧૨)

નારદ કહે ઓખાબાઈને, તું આદ્ય જગતની માત;તારું સામર્થ્ય હોય જેટલું, તે આપ સ્વામીને હાથ. (૧૩)

ઓખાએ એક ભોંગળ લઈને, કહાડી આપી બહાર;સ્વામીના કરમાં આપી, તેમાં હજાર મણનો ભાર. (૧૪)

વીર વિકાસી ભોંગળ લીધી, માળિયામાં ધાય,ચાર લાખ જોદ્ધા તરવરીઆ તે, સામો જુદ્ધે જાય. (૧૫)

ગેડી ગુપ્તિ ફરસી તંબુર, છુટે ઝઝા બાણ;માળિયાને ઢાંકી લીધું, જેમ આભલિયામાં ભાણ. (૧૬)

આવતા બાણ એકઠાં કરી કરીને, પાછા નાખે બાળ;ઊંચેથી આવી પડે છે, આણે સર્વનો કાળ. (૧૭)

ભડાક દઈને ભોંગળ મારી, અનિરુદ્ધે જેની વાર;તે ઝબકારા કરતી આવી, તેણે કર્યો સંહાર. (૧૮)

અનિરુદ્ધ કેરો માર ઘણો તે, જોદ્ધાએ ન ખમાય;મારી કટક સરવે કટકા કીધું, આપે નાઠા જાય. (૧૯)

રહો શા માટે નાસો, કાં થાઓ છો રાંક ?હું તમારા કાજ આવ્યો છું, મારો ન કાઢો વાંક (૨૦)

અંગ જે કાંઈ ન સુજે, આવ્યા રાયની પાસ;બાણાસુર બેસી રહ્યો, ને કટક થયું સૌ નાશ. (૨૧)

જોદ્ધા સહુ નાશ થયા રે, હું ચોરી નાઠો સાર;તમને આવ્યો સંભળવવા, ઘણું કરી પોકાર. (૨૨)

નાસ રાજા ભુંગળ આવી, પ્રાણ તારો જાય;બાણાસુર પડ્યો ગાભરો, દૈવ આતો શું કહેવાય ? (૨૩)

બીજા રાયે છ લાખ મોકલ્યા, જઈ કરો સંગ્રામ;મારી બાંધી લાવો કહું છું, એને તો આ ઠામ. (૨૪)

જોદ્ધા આવ્યા જોરમાં તે કરતા મારોમાર;છ લાખ આવી ઊભા રહ્યા, તેના બળતણો નહિ પાર. (૨૫)

કોઇ એક ને બે જોજન, ઊંચા જે કહેવાય;કોને માથે શીંગડા, લોચન ઉદર સમાય. (૨૬)

ખડગ, ખાંડા તુંબર ફરસી, ગોળા હાથે નાળ;તોપ, કવચ, રણભાલા, બરછી, મુગદળ ને ભીંડીમાળ. (૨૭)

સાંગ , ગેડી, ગુપ્તિ, ગદા ને ઝળકતી તલવાર;બાણાસુરના યોદ્ધા તે, કરતા મારોમાર. (૨૮)

કાંઇક કચરઘાણ થાય ને કાંઇકના કડકાય,કુંભસ્થળ ફાટી ગયા ને , પડ્યા તે પૃથ્વી માંય. (૨૯)

અનિરુદ્ધે પછી વિચાર્યું, ગદા પડી છે ધર્ણ;જોદ્ધા આવ્યા જોરમાં તે, કેમ પામશે મરણ ? (૩૦)

પછી પડતું મૂક્યું પૃથ્વી ઉપર, ગદા લીધી હાથ;કાળચક્રની પેઠે સેજે, સૌ સંહાર્યા સાથ. (૩૧)

કોઇ જોદ્ધાને ઝીકી નાખ્યાં, ઝાલ્યા વળતી કેશ;કોઇને અડબોથ મૂકીને, કોઇને પગની ઠેસ. (૩૨)

કોઇકના મોઢા ભાંગી નાખ્યા, હાથની લપડાકે;કોઇને મારી ભુકો કીધો, ભોંગળને ભડાકે. (૩૩)

એમ હુલ્લડ કરીયું ને ત્રાસ પાડીઓ, બુમરાણ બહુ થાય;છ લાખ ચકચૂર કરીને, ગયો માળિયા માંય. (૩૪)

નાઠા જોદ્ધા વેગે ગયા, જ્યાં છે બાણાસુર રાય;નાસ રાજા ભોંગળ આવી, પ્રાણ તારો જાય. (૩૫)

ન હોય કાંઈ નાનો કુંવર, દીસે છે કોઈ બળિયો;ઘણીવારનો જુદ્ધ કરે છે, કોઈનો ન જાય કળિયો. (૩૬)

કૌભાંડને તેડાવી પૂછ્યું, હવે શું કરવું કાજ;આટલે છોકરે નીચું જોવડાવ્યું, ધિકધિક મારું રાજ. (૩૭)

મતવાલો મહાલે માળમાં, જઈ જોદ્ધાએ સભામાં સંભળાયું;કૌભાંડને ચડિયો કાળ, મતવાલો મહાલે મળામાં. (૧)

જુગ જીત્યું પણ કાંઈ નવ દીઠું, સ્વર્ગ મૃત્યુ પાતાળમાં;

કહો કૌભાંડ હવે શું, મારો ભાગ્યો ભારે ભૂપાળમાં. મતવાલો૦ (૨)

સહુ સૈન્યનું સામર્થ ભાગ્યું, બહુ બળદીઠું છે બાળમાં રે;દસ લાખનો દાટ વાળ્યો, હજી છે વઢવાની ચાલમાં. મતવાલો૦ (૩)

કહો પ્રધાન હવે શી વલે થશે, બાળ પડ્યો જંજાળમાં રે;રાતમાં જઈને રોકી રાખો, નાસે પ્રાત:કાળમાં રે. મતવાલો૦ (૪)

વિખિયા રે વળગ્યો તે નહિ થાય અળગો, જેમ માખી મધજાળમાં રે;બાળકને બકરી શાને ધારો, જણાય સિંહની ફાળમાં. મતવાલો૦ (૫)

બાળકને જે બાંધી લાવે, તેને વધાવું રતન ભરી થાળથી રે;સિંહપણું વેરાઇ ગયું ને, થયો સંગ્રામ શિયાળમાં રે, મતવાલો૦ (૬)

Comments

Loading comments…