કડવું-૫૯
ઓખાહરણ
મારા સ્વામી હો ચતુર સુજાણ, બાણદળ આવ્યું રે, જાદવજી;દિસે સૈન્ય ચારે પાસ, હવે શું થાશે રે. જાદવજી.
એવા બળીયા સાથે બાથ, નાથ કેમ ભીડો રે, જાદવજી;સામો દૈત્ય છે કુપાત્ર, માટે ડરીને હીંડો રે. જાદવજી.
એ દળ આવ્યું બલવંત, દિશે રીસે રાતા રે, જાદવજી;એકલડા અસુરને મુખે, રખે તમે જાતા રે, જાદવજી.
ઓ ગજ આવે બલવંત, દંત કેમ સહેશો રે, જાદવજી;અસુર અરણ્ય ધાય, તણાયા જાશો રે. જાદવજી.
એવું જાણીને ઓસરીએ, ન કરો ક્રોધ રે, જાદવજી;એકલડાનો આશરો શાનો, માનો પ્રતિબોધ રે. જાદવજી.
ધીરા થાઓ ને, ધાઓ વઢો ફાંસુ રે, જાદવજી;મારી ફરકે છે જમણી આંખ, વરસે છે આંસુ રે. જાદવજી.
મને લાગે છે ઝાંખો, ભોંગલ હેઠી નાખો રે, જાદવજી;હું તમને સમજાવું આ વાર, વચન મારૂં રાખો રે. જાદવજી.
તમો મુજ દેહલડીના હંસ, મૂકોને જુધ્ધ રે, જાદવજી;પાછા વળો લાગું પાય, માનો મારી બુધ્ધ રે. જાદવજી.
ઘેલી દિસે છે તરૂણી, તારી આ શી ટેવ રે, રાણીજી;અમે બાણ થકી ઓસરશું, તો કરશું સેવ રે, રાણીજી.
આવ્યો બાણાસુર ભુપાળ, તેને હું મારું રે, રાણીજી;એના છેદું હાથ હજાર, દળ સંહારું રે. રાણીજી.
અનિરુધ્ધ રણ થકી ઓસરે, તો લાજે શ્રીગોપાલ રે, રાણીજી;હવે અંત આપણો આવ્યો, હવે નાઠે આવે આળ રે, રાણીજી.
(વલણ)
નાઠે આવે આળ, નવ કીજીએ ઉપવાદ રે;કહે પ્રેમાનંદ ઓખાબાઇએ, અનિરુધ્ધને કર્યો સાદ રે.
Comments
Loading comments…