કડવું-૭૨

ઓખાહરણ

કૃષ્ણે જાદવ મોકલ્યો, તે શોણિતપુરમાં જાય;જઈને કહેજો બાણાસુરને, પરણાવો કન્યાય. શ્રીકૃષ્ણે૦ ૧.

હોંશ હોય તો જુદ્ધે આવો, તેમાં નથી અમારે નાય;જાદવ ત્યાં સંચર્યો, આવ્યો અસુર સભાની માંય. શ્રીકૃષ્ણે૦ ૨.

સાંભળને રાજા વિનતી, આવ્યા છે વૈકુંઠનાથ;દીકરી પરણાવી ચરણે લાગો, નહિ તો જુધ્ધ કરો અમ શાથ. શ્રીકૃષ્ણે૦ ૩.

બાણાસુરને મહાદુઃખ લાગ્યું, નેત્રે વરસે અગન;નીચ જાદવને જોઈએ મારી, કુળવંતી એ તન. શ્રીકૃષ્ણે૦ ૪.

ચાલ-એ ભરવાડો એ પિંઢારો, ગોકુળમાં ચારી ગાય;માર્યા વિના મૂકું નહિ, જે થનાર હોય તે થાય. શ્રીકૃષ્ણે૦ ૫.

સેના લઈને રાજા ચાલ્યો, જોધ્ધાનો નહિ પાર;હસ્તી ઘોડા ને સુખપાલો, બાંધ્યા બહુ હથિયાર. શ્રીકૃષ્ણે૦ ૬.

ખડક ખાંડા ને તંબુર ઝેર, ગોળા હાથ ને નાળ;ત્રિશુળ સાંગ ને મુગદર ફરસી, તોમર ને ભીંડીમાળ. શ્રીકૃષ્ણે૦ ૭.

લાલ લોહમય ઝળકે ઝેરી, હાથ ધરી તલવાર;જોદ્ધા જોર કરતા આવ્યા, ને કરતા મારોમાર. શ્રીકૃષ્ણે૦ ૮.

કો જોજન કો બે જોજન ઊંચા, કોને સમ ખાવા નહિ શીષ;વિકરાળ દંત દેખાડીને, વળી પાડે ચીસ. શ્રીકૃષ્ણે૦ ૯.

બુમરાણ કરતા આવી પડીઆ, જાદવની સેના માંહ્ય;ગિરધારીને ઘેરી લીધા, પડે બાણાસુરના ઘાય. શ્રીકૃષ્ણે૦ ૧૦.

પરિઘ ત્રિશુળ ને પડે કોવાડા, મુગદર ને વળી ફરસી;સંગ્રામ સહુ સેના કરે, આયુધ્ધધારા રહી વરસી. શ્રીકૃષ્ણે૦ ૧૧.

જગદીશે જાદવ હલકાર્યા, કર ધનુષ્ય બાણ ને તીર;તૂટે કુંભસ્થળ ફુટે દંતશુળ, ચાલે નીર રુધિર. શ્રીકૃષ્ણે૦ ૧૨.

બહુ ભડ ત્યાં પડવા લાગ્યા, ભુંગળને ભડાકે;વાંકડી તરવારો મારે, ખડગને ઝડાકે. શ્રીકૃષ્ણે૦ ૧૩.

તૂટે પાખર ને પડે બખ્તર, કીધો કચ્ચરઘાણ;સર્વે જોધ્ધાઓને મારી કરીને, પાછા વળ્યા ભગવાન. શ્રીકૃષ્ણે૦ ૧૪.

(વલણ)

પૂરણ પુરૂષોત્તમ પાછા વળ્યા, કરી અસુરનો નાશ રે;સૈન્યમાં આવી કરીને, શંખનો નાદ રે. ૧૫.

Comments

Loading comments…