કડવું-૮૬

ઓખાહરણ

બાણાસુર ગોરવ નોતરે, સૌ કો સાથશું રે;સાથે જમણની રીત, હળધર ભ્રાતશું રે,શ્રીકૃષ્ણ કરે પ્રણામ, હળધર ભ્રાતશું રે.

તમો ગૌરવ વેળા પધારજો, સૌ કો આવશે રે.સાથે માણસની શી રીત, ગમે તેને લાવજો રે,

વેવાણ ઘરમાં ગઈ; જ્યાં વરની માવડી રે,તેના કુમકુમ રોળ્યા પાય, જઈ પાયે પડી રે,

અનિરુધ્ધની માવડી, બોલ્યાં રીત અમારડી રે,તમારી પરઠણ જેહ, મનાવું ગોરડી રે,બાણમતી બોલિયાં રીત અમારડી રે;

ગોરડી મનાવીને ચાલીયાં, મનશું માલતાં રે;હાલ હાલ કરો રસોઈ, રાંધણ ચાલતાં રે,

રસોઈ બહુ પ્રકારની, ગણતાં નવ લહુ રે,કાં વસ્તુ અનેક, ગણતાં સહુ સહુ રે,

જાદવ કેરી જોડ, સહુકો સાથ શું રે;આવ્યા શ્રી કૃષ્ણ મહારાજ, છપ્પન ક્રોડશું રે,

વેવાઈની વાત, કાંઇક સાંભળી રે;ભોજન કરવા ઠામ, જુગતિઓ ભલી રે,

આજ્ઞા આપી રાય, સહુકો બેઠા થયાં રે;એ તો સ્નાન કરી મંદિરમાં ગયા રે,

સ્મરણ કીધું નાથનું, બેઠા બેસણે રે;નવજોબનવંતી નાર, નીકળી પીરસણે રે,

ચમકતા તકીયા ઘણા; ઝારી ને લોટડા રે,માહે બેસણે બહુ વિવેક, દીસે ફુટડા રે,

બાવન ગજની થાળી, સોનાના વાડકા રે;પીરસનારી પ્રમાણ, જમનારા લાડકા રે,

ખાંડ પકવાનના મેવા, બહુ ઘણા રે,પુરણ ને દૂધપાક, સાકરીયા ચણા રે,

ગોઢા ગળિયાં તડબૂચા, આંબા સાખશું રે;પિસ્તા ને અખરોટ, દાડમ દ્રાખશું રે;

તલ સાંકળી મોળા દહીંથરા, સેવ છુટી કળી રે;ખોબલડે પીરસે ખાંડ, મરકી બેવડી રે,

ખાજા જલેબી દીસતી, દળીયાં મસમસે રે,ઘેબર ને મોતીચૂર, જમતા સહુ હસે રે,

મગદળ ને મેસુર, પેંડા લાવીઆ રે;પકવાન બીજા અને લાકડશી ભાવીઆ રે,

બાટબંધ ટોપરાં, માંહે ખાંડ ભેળી રે;ગવરીનાં તાવ્યાં ઘી, એવો ગળીયો રે,

સારો કર્યો કંસાર, પોળી પાતળી રે;સાકરની મીઠાશ, આવી કચોળે ભરી રે,

જમવા બેઠી નાર, જાદવની બાપડી રે;જમતાં કહો ભલા રે, લવિંગ સોપારી એલચી રે,

પાન સમારીઆ રે, બીડલે બાસઠ પાન,સહુને આપિઆં રે.

સાજન હતું શ્રીકૃષ્ણનું, તે સરવે જમ્યું રે;પ્રેમાનંદના નાથ, ત્યાં વહાણું થયું રે.

Comments

Loading comments…