કડવું ૧૭

નળાખ્યાન

આવી સુદેવે આપ્યો કાગળ, હૃદયા ચાંપી વાંચે નળ;સ્વસ્ત શ્રી નૈષધપુર ગામ, પુણ્યવંત પુણ્યશ્લોક નામ.છે કાલાવાલાની કંકોતરી, લખીતંગ દમયંતી કિંકરી;આંહાં આવી ગયા ખગપત, કહે તે વારતા માનજો સત.મેં તમને સમર્પ્યું ગાત્ર, આ સ્વયંવર તે નિમિત્ત માત્ર;મીન નીરની કરજો પ્રીત, માહારા સરખું કરજો ચિત્ત.વાંચ્યો કાગળ ને હરખ્યો નળ, તત્પર કીધું જાનનું દળ;અતિ શીઘ્રે સાંચરે રાય, શુકને મળી સવચ્છી ગાય.કોરંગ કોરંગની સાથ, સાહામાં ઉતર્‌યાં દક્ષિણ હાથ;હંસ ભણે ભલાં શૂકન, તું દમયંતી પામે રાજન.વિદર્ભ જઈને સિધ કીજીએ, મને આજ્ઞા હવે દીજીએ;વળિ કો સમે આવિશ રાજન, તું છે મારો પ્રાણજીવન.ભાઈ તુજને કહું વીનતી, દ્યૂત ના રમશો નૈષધપતી;નવ કરશો સ્ત્રીનો વિશ્વાસ, એ બે થકી થાય વિનાશ.ચાલ્યો ખગપતિ વીનતી કરી, નળ રાજાએ આંખડી ભરી;હંસ કહે સાંભળ રાજન, એમ કરિયે ન કાચું મન.

માત પિતા સુત બાંધવ જેહ, સર્વે વેર સંબંધે મળ્યું તેહ;તારે કાજે મેં રાજા એહ, ખગપતિનો ધાર્યો દેહ.હું છું બ્રાહ્મણ ને તું છે ભીલરાય, પૂર્વ જન્મની કહું કથાય;મારા ઘરમાં હું દુઃખિયો થયો, કાશિ કરવત મૂકાવા ગયો.એવો સમો મનમાં ધરી, ચાલ્યો વનમાં સમર્યા હરી;અઘોર વનમાં ભૂલો પડ્યો, તારે સ્થાનક આવી ચડ્યો.તેવા માંહે રજની થઈ, દ્વાદશ કોશમાં વસ્તી નહીં;તેવા વનમાંહિ રહેતો તુંય, ત્યાં આવીને ચડિયો હુંય.તારે સ્થાનકે આવી રહ્યો, ત્યાં તું પણ ચિંતાતૂર થયો;મારી આગતા સ્વાગતા કરી, પણ સૂવાની ચિંતા ધરી.નહાનિ હતી ગુફા છેક, આવ્ય્ં માણસ માય ન એક;તારી સાધ્વી નારી સુજાણ, મારું આસન કર્યું નિર્વાણ.તું તો વીરા બાહર રહિયો, રાક્ષસે આવી તને મારિયો;માંસ ચરણ હસ્ત હેઠે રહ્યું, નવ જાણું તેનું શું થયું.તારી સ્ત્રીએ તજ્યો ત્યાં પ્રાણ, કાષ્ટ ભક્ષ કરી નિવારણ;મરતાં એવું બોલી સતી, એ જ વર દેજો કમળાપતિ.એવું જ્યારે સ્ત્રી બોલી વચન, ત્યારે મેં વિચાર્ય્ં મન;શું જીવું હત્યા લઈ કરી, એને તું મેળવજે હરી.એવું કહીને હું તે વાર, પડ્યો બળતા અજ્ઞિમોજાર;તે માટે પંખી અવતાર, લીધો નૈષધમાં આ વાર,એવો બોલ ખગપતિયે કહ્યો, શીર નામીને ઉભો રહ્યો;આજ્ઞા આપો તો તત્પર થાઉં, અમો અમારે સ્થાનક જાઉં.એવી વિનંતી હંસે કરી, નળરાયે આંખડિ ભરી;એ શું બોલ્યો મારા વીર, તારા વિના ધરું કેમ ધીર.આપ્યું તેં મને પ્રાણનું દાન, તું છે મારા બંધુ સમાન;હંસ કહે તેં ખરું કહ્યું વીર, પણ સાંભળ પરમ સુધીર.તારું ઋણ છુટ્યો હું ભ્રાત, હવે રહેવાની કરિશ ન વાત;એમ કહિને ઉડ્યો આકાશ, ત્યારે નળે મૂક્યો નિઃશ્વાસ.નળ પોહોતો વિદ્રભ દેશ, તાંહાં મળ્યા મોટા નરેશ;ચોહોફેર સબીરનાં ધામ, વસ્યા રાજા તેટલાં ગામ.

સાગરમાં નાવ હોયે જેમ, ભીમકનું નજ્ઞ દીસે તેમ;ગજદળ હયદળ ને માનવ, તેણે અંન થયું મોઘું સરવ.રસકસ સાહામું નવ જોવાય, તૃણ જળ ટાંકે તોળાય;રંક લોકની ચાલે અરજના, માંગ્યાં મૂલ આપે ગરજના.ભીમક લે સર્વનો તપાસ, જે જોઈએ તે ફેરવે દાસ;નગર ભરાયું ખચખચી, રાયે મંડપ રચના રચી.હીંડોળા બાંધ્યા ધારણે, કદળીસ્તંભ રોપ્યા બારણે;ચિત્રામણ ચિતરિયાં ભીત, નાના પ્રકારની કરી રીત.મંડપ લીપ્યો કનકની ગાર, સાહામાં સાહામી આસનની હાર;જેહેને જાંહાં બેઠાનો ઠામ, તાહાં રાજાનાં લખિયાં નામ.એ કથા એટલેથી રહી, એક નવીન વારતા થઈ;નારદને કલહની ટેવ, ગયા સ્વર્ગ જાંહાં બેઠા દેવ.પૂજ્યા અર્ચ્યા પ્રીત અપાર, તવ ઈન્દ્ર પૂછે સમાચાર;કહો ઋષિ પૃથ્વીની પેર, કો પુરુષ ન આવે અમારે ઘેર.પૃથ્વીમાં પડતી સાધુની કાયે, તે આવતા સ્વર્ગ માંહે;અમરાવતીનો સુનો ઘાટ, જમપુરની વેહે છે વાટ.જમપુર ભરાઈ વસ્યું, આહાં કો નાવે તે કારણ કશું;કહે નારદ સંભળીએ સત્ય, હવડાં મનુષ જાયે અવગત્ય.દમયંતી દમયંતી કરતા મરે, તે સર્વ જમપુરી સાંચરે;ત્યાં સ્વયંવર મંડાયો આજ, મળ્યા છે પૃથ્વીના રાજ.શું અપ્સરાનાં વોહો છો વના, દમયંતીની દાસી દેવાંગના;વિદર્ભ દેશ ને કુંદનપુર, જાઓ જોવા શું બેઠા સૂર;કઈ નારદ થયા અંતરધાન, છાના દેવ થયા સાવધાન.સંભારી રુપ મનમાં ફૂલતા, ચાર દેવને લાગી લૂલતા;ઈંદ્ર અજ્ઞિ વરુણ ને જમ, ઉઠી ચાલ્યા જ્યમ ત્યમ.

જ્યમ ત્યમ ચાલ્યા દેવતા, ધરી જુજવાં રૂપરે;વિદર્ભ ગયા મનભંગ થયા, દેખી નળનું રૂપરે.

Comments

Loading comments…