કડવું ૧૮

નળાખ્યાન

નળને જોવા ઈંદ્ર રહ્યા છે, એટલે આવ્યા જમજી;અગ્નિ વરુણ પૂંઠેથી આવ્યા, પૂછે માંહોમાંહે ક્યમજી.

અન્યોન્યે ચોરી કરતા, બોલે જુજવાં કામજી;ચારે દેવ માંહોમાંહે છેતરે, ન લે પરણ્યાનું નામજી.અગ્નિ કહે શું અધર્મ બોલવું, સર્વ દમયંતીના લોભીજી;મનના મનોરથ રાખો મનમાં, નળ આગળ કાંતિ ન શોભી઼જી.પછે તાળી દેઈ હસ્યા માંહોમાંહે, કપટ કીધું ત્યાગજી;સ્વયંવરમાં ચારે જઈ જોઈએ, કોહોનું ફળશે ભાગ્યજી.વરુણ ભણે વૈદર્ભી વર્યાની, મૂકો માની આશાજી;પરણશે નળ આપણી ફજેતી, છેદાશે અધરસું નાસાજી.અગ્નિ કહે હો વાસવ રાજા, મૂકો હૈયાનો હર્ષજી;દમયંતીને તમો ન પામો, જો તપો શત વર્ષજી.ભીમક સુતાને આલિંગન નહિ દે, અભાગિયાં આપણાં ગાત્રજી;વીરસેન સુત આગળ વિષ્ણુ ન પામે, તો આપણ કોણ માત્રજી.જદપિ મનસા નળની મૂકી, આપણી મમતા કરે જી;ગુણ વોહોણી દમયંતી છે, રૂપ યૌવન ઉનમત્તજી;ગોળ મૂકીને ખોળને ખાયે, નોહે ચતુર પશુવતજી.બેહુ પ્રકારે એહેને ન વરવી, માટે પાછા ફરવુંજી;માણસ વરે ને દેવ ફરે એથી, આપે ભલું મરવુંજી.શક્ર કહે નળરાજાને, જમરાજ લો જમલોકજી;આફણીએ આપણને વરશે, થશે હંસુનું કીધું ફોકજી.વરુણ ભણે જે એ શી લલુતા, વણ ખુટે મરે ક્યમજી;એમ ચાલતું હોય તો લઊં દમયંતીને, એમ કહેવા લાગ્યા જમજી.અગ્નિ કહેરે ભલો શ્રમ કીજે, કદાપિ થાય સાચોજી;દમયંતી ભણી દૂત થૈ જાય, ચારે નળને જાચોજી.પછે નળ પાસે આવ્યા સ્વર્ગવાસી, વેશ વિપ્રનો ધારીજી;ત્રિપુંડ તાણ્યાં પુસ્તક કરમાં, ગ્રહી સુંદર ઝારીજી.નળે નિર્મળ બ્રાહ્મણ દીઠા, આપ્યાં આદરમાનજી;આસન આપી પૂજા કીધી, પછે પૂછે રાજાનજી.કામકાજ અમ સરખું કહીએ, હરિ મોહોટા છે કરનારજી;વિપ્ર કહે અમો આવ્યા છૈયે, તુંને જાણી ગુણભંડારજી.

નળ કહે જે માગો તે આપું, માનજો અવશ્યમેવજી;વચન લેઈ વિપ્ર વેશ મૂકીને, થયા પ્રત્યક્ષ દેવજી.વજ્ર પાશ જ્વાળા ગ્રહી, જમે ગ્રહ્યો જમદંડજી;જળહળ મંદિર થઈ રહ્યાં, જાણે ઉદ્યા માર્તંડજી.ચકીત રાજા થઈ રહ્યો, કરતો દંડપ્રણામજી;નળ વિના કો દેખે નહિરે, દેવ રુપનાં ધામજી.

રૂપધામ તે દેવતા, વિનતિ નળરાયને કરેરે;તું દૂત થઈ જા કન્યા કને જો, દમયંતી અમને વરેરે.

Comments

Loading comments…