કડવું ૧૯
નળાખ્યાન
દેવ કહે હો રાજા મિત્ર, પુણ્ય શ્લોક પરમ પવિત્ર;કૃપા કરી કન્યા કને જાઓ, વેવિશાળિયા અમારા થાઓ.મહિલાને મારો મોહનાં બાણ, ચારે ચતુરનાં કરજો વખાણ;ભાગ્ય હોશે તેહેને વરશે, જેહેના કર્મનું પાંદડું ફરશે.નળ કહે રક્ષક બળીયા હોય, મુને પેસવા નવ દે કોય;દેવ કહે જાઓ જોગીને વેખે, દમયંતી વિના કો નવ દેખે.ચારે કરે નળને અણસારા, બે ગુણ અદકા બોલજો મારા;એવું સાંભળી ચાલ્યો નળરાય, ત્યારે દેવને વિમાસણ થાય.રૂપવંત નળનેરે જોશે, ક્ન્યાનું સધે મન મોહોશે;વાત કહે નહીં આપણી વરણી, વેવિસાળિયો બેસશે પરણી.દૃષ્ટે દૃષ્ટ જ્યારે મળશે, ગુણ આપણા નવ સાંભળશે;નળને લેવરાવ્યો જોગીનો વેષ, શીખવ્યું તેમ કરજો વિશેષ.રૂપ પાલટીને નળ પળીયો, દેવે અનુચર એક મોકલીઓ;દૂતને દેખે નહીં નળરાય, આગળ પાછળ બન્યો જાય.પેઠા ઘરમાં પાધરા દોર, કો નવ દેખે દિવસના ચોર;જ્યાં દમયંતીનું અંતઃપૂર, ત્યાં આવ્યો નળ રાય શૂર.દીઠી દેવકન્યા જેવી દાસ, જે રમતી રાણીને પાસ;કોઈ નાયકા તો ત્યાં નહાતી, કોઈ કન્યાના ગુણ ગાતી.કોઈ શ્યામળી ને કોઈ ગોરી, કોઈ મુગ્ધા ને કોઈ છોરી;કોઈ કામ કરતી હાલે માલે, કોઈ વસ્ત્ર બાંધે ઘડી વાળે.
રહે આપાઅપણે સાજે, હાર ગુંથતી કન્યા કાજે;એમ જોયો હેઠલો માળ, પછે બીજે ચડ્યો ભૂપાળ.ત્યાં દાસીનું જિથ જોયું, પછે ચડ્યો જ્યાં ત્રીભોયું;વસે છે દમયંતી નારી, સહસ્ત્ર દાસી સેવા કરનારી.કેટલી ગાન કરે સ્વર ઝીણા, કો નાચે વજાડે વીણા;વાતે રીજવતી ચતુરસુજાણ, કેટલી કરતી કન્યાનું વિખાણ.એકાંત ત્યાં છે ઓરદી, હીંડોળે હીર દોરડી;હરિવદની બેઠી હીંચે, દાસી કેશમાં ધૂપેલ સીંચે.કિંકરી પાસે માથું ગુંથાવે, કહે સેંથો રખે વાંકો આવે;ભીંત માંહે જડીઆ ખાપ, વણ ધરે દીસે છે આપ.આગળ દમયંતી પાછળ દાસી, સાહામાં પ્રતિબિંબ રહ્યાં પ્રકાશી;મુખકમળ કન્યાનું ઝળકે, સામો ચંદ્ર બીજો જાણે ચળકે.શોભે નારી જોબનધામ, મુખે નળરાજાનું નામ;એવું ભૂપતિએ રૂપ જોયું, મોહબાણે મનડૂં પરોયૂં.અંગરંગથી આડો આંક, મોહ્યા દેવતણો શો વાંક;ચારમાં કોનું ભાયગ ભળશે, રત્ન આ કર કોને ચઢશે.મુને પરણત મનની રુચે, અંત્રાઈ થયા દેવ આવી વચે;ભલું ભાવી પદાર્થ થયો, નળે વિવેક મનમાં ગ્રહ્યો.
ગ્રહ્યો વિવેક શોકને તજી, જ્ઞાન તે હૃદયે ધરેરે;સત્ય પોતાનું પાળવા, દેવનું માગું કરેરે;
Comments
Loading comments…