કડવું ૨૦

નળાખ્યાન

બેઠી દમયંતી શીશ ગુંથાવા, સ્વયંવરને સાંતરી થાવા;સામી ભીંતમાં જડી છે ખાપ, વણ ધરે દીસે છે આપ.

આપ દીસે વણ ધરે, પ્રતિબિંબ જોતી દૃષ્ટ;દાસી ને દમયંતી બેઠાં, નળ આવી રહ્યો છે પૃષ્ઠ,પ્રતિબિંબ પડ્યું દર્પણમાં, પ્રેમદાએ દીઠો પૂર્વ;ગઈ ખુણે નાહાસી તેડી દાસી, શું બેસી રહી છે મૂર્ખ.

માધવી વળતું વદે બાઈ, શા માટે નાહાસી ગયાં;મેં કો ન દીઠું તમે દેખી, આવડું શું વિસ્મય થયાં.ઘેલી તાહારી મીટ મસ્તકમાં, મેં દર્પણ રાખ્યું દૃષ્ટિમાં;સ્વરૂપ દીઠું દિવ્ય નળનું, ન મળે બીજો સૃષ્ટિમાં.વેશ છે વેરાગીનો જાણે, નાટક કોએક લાવ્યો;શકે તો એ પ્રાણજીવન, નળરાય નિશ્ચય આવ્યો.સાહેલી કહે પ્રીછો તમો, કાં દીઠું છે જે ઝંખના;નળ આવીને કેમ શકે જ્યાં, ના આવે પ્રાણી પંખના.કામની કહે તે પ્રીછીયું, તું દાસી માણસનો અવતાર;ન માને તો આવ કૌતક, દેખાડું બીજીવાર.પુનરપિ બેઠાં પૂઠે પૂઠે, દર્પણમાં મીટ જોડ;સ્વરૂપ નળનું દેખાડ્યું, જેની કાંતિ કંદર્પ ક્રોડ.દાસી રાણી થયાં બેઠા, ઝબકારે ઝબકી વિજળી;દમયંતી કહે દાસીને કાં, માહારી વાત કહેવી મળી.પછે સ્તુતિ માંડી શ્યામાએ, અંતરપટ આડો ધરી;દેવસ્વરૂપ થાઓ દેખતા, ત્યારે નળે દેહ પ્રગટ કરી.આપી આસન કરી પૂજન, પછે પૂછે કિંકરી;કહો દેવપુરુષ કાંહાંથી આવ્યા, વેશ જોગીનો ધરી.નળ કહે તું નીચ માણસ, કેમ વદું હું વૈખરી;દમયંતી પૂછે તો બોલું, નહીંતર પાછો જાઉં ફરી.દમયંતી કહે દેવજદ્યપી, પણ થઈ આવ્યા સંન્યાસી;કપટ રૂપને કન્યા કેમ પૂછે, માટે પૂછે દાસી.

દાસી સંન્યાસી જોગ છે, કેવળ નોહે અતીતરે;વચન સુણીને નળ મન હરખ્યો, હરી લીધું ચિત્તરે.

Comments

Loading comments…