કડવું ૨૬

નળાખ્યાન

વાગી સ્વયંવરમાં હાક, તે નળ આવ્યોરે;ભાંગા ભૂપ સર્વનાં નાક, ઓ નળ આવ્યોરે.જાણે ઉદયો નૈષધભાણ, તે નળ આવ્યોરે;અસ્ત થયા સહુ તારા સમાન, ઓ નળ આવ્યોરે.તેજ અનંત અનંગનું અંગ, તે નળ આવ્યોરે;જાણે કનક કાયાનો રંગ, ઓ નળ આવ્યોરે.ઝળકે ઝળહળ જ્યોત, તે નળ આવ્યોરે;મુગટપર ચળકે ઉદ્યોત, ઓ નળ આવ્યોરે.

જ્યોત રવિને પેર કુંડલ લહેકે, તે નળ આવ્યોરે;અરગ્જા અંગે બહેકે, ઓ નળ આવ્યોરે.શોભે વદન પુનેમનો ચંદ, તે નળ આવ્યોરે;કમળનયન પ્રેમના ફંદ , ઓ નળ આવ્યોરે.જાણે નાસા કીરની ચંચ, તે નળ આવ્યોરે;કોયે ન દેખે સરખા પંચ, ઓ નળ આવ્યોરે.કંઠે ગજમુક્તાનો હાર, તે નળ આવ્યોરે;કર કુંજર શુંડાકાર, ઓ નળ આવ્યોરે.હૃદે નાભિકમળ શોભાળ, તે નળ આવ્યોરે;કટીએ જિત્યો કુંજરકાળ, ઓ નળ આવ્યોરે.ચાલતો શાર્દૂલની ગત્ય, તે નળ આવ્યોરે;નિરાશ થયા નરપત્ય, ઓ નળ આવ્યોરે.એ તો દમયંતીનો પ્રાણ, તે નળ આવ્યોરે;હવે એ પરણે નિર્વાણ, ઓ નળ આવ્યોરે.કન્યાને થયું તવ જાણ, ઓ નળ આવ્યોરે;જેનું હંસે કીધું વિખાણ, તે નળ આવ્યોરે.તેજે તો તપે જાણે ભાણ, ઓ નળ આવ્યોરે;શીતળતએ સોમ સમાન, તે નળ આવ્યોરે;ગતે કરીને જેવો વાય, ઓ નળ આવ્યોરે.મહિમાએ શંકર રાય, તે નળ આવ્યોરે;મન સ્થિરતાએ જેમ મેર, ઓ નળ આવ્યોરે.જાણે ધને બીજો કુબેર, તે નળ આવ્યોરે;સત્યવાદી શિબિ સમાન, ઓ નળ આવ્યોરે.ઐશ્વર્યે નિઘોષ રાજાન, તે નળ આવ્યોરે;એ તો જુદ્ધે જાણે ઈંદ્ર, ઓ નળ આવ્યોરે.ત્યાગી જેવો હરિશ્ચંદ્ર, ઓ નળ આવ્યોરે;વિદ્યાયે ગુરુ, શુક્ર જેમ,, ઓ નળ આવ્યોરે.દુ:ખહર્તા ધંવંતરિ તેમ, ઓ નળ આવ્યોરે;દમયંતી ઘણું હરખે, ઓ નળ આવ્યોરે.રખે વાર લાગે મન ફેંકે, ઓ નળ આવ્યોરે;

એક આસને બેઠી નાર, ઓ નળ આવ્યોરે.દાસી ઉંચલી ચાલે ચાર, ઓ નળ આવ્યોરે;શોભે સુંદર અતિ સુકુમાર, ઓ નળ આવ્યોરે.જઇ પહોંતાં મંડપદ્વાર, ઓ નળ આવ્યોરે;

બાહેર પધાર્યાં પ્રેમદા. ચતુરાં ઉંચલે ચારરે;નળ બેઠો સિંહાસન, ચતુરા કિંતતી તેણી વારરે.

Comments

Loading comments…