કડવું ૩
નળાખ્યાન
એણીપેર બોલ્યા બૃહદૃશ્વ વાણીજી, નળને ઘેર આવ્યા વેણાપાણીજી;વીરસેન સુતે દીધું માનજી, અર્ધપાદ્યે પૂજ્યા ભગવાનજી.
પૂજ્યા નારદ આદર આણી, હૃદેમાં અતિ પ્રેમ;અન્યોન્યે પૂછીઓ, સમાચાર કુશળ ક્ષેમ.રાજ્યાસન સૂનું નળનું દેખી, નારદ ઋષિ એમ પૂછે;પટરાણી દિસતાં નથી એ, કોહોની કારણ શૂં છે.આસને બેસવું રાણી વિના, તેહેનો મોટો દોષ;પછે પ્રતિઉત્તર વિચારી નળ, બોલીઆ ધરી શોષ.નળા તમો પ્રજાપતિના, પુત્ર વેણાધારી;જાણતા હશો બ્રહ્માજીએ, માહરે નિરમી છે કો નારી.સપ્તદ્વિપ નવખંડ માંહે કાંઇ ક્ન્યા કોટાકોટ;ઋષિ હું વરું એવી નવ મળે, શકે છે કન્યાની ખોટ.રૂપ તાંહા કુળ નહીં, કુળ તાંહાં નહીં ચાતુરી ચાલ;કો સકળ લક્ષણ હોય પૂરણ, તો હું પરણું તત્કાળ.નારદ ઋષિ તવ ઓચર્યા, એમા ન કીજે ભૂપ;તારા સરખું નવ મળે, કો શ્યામાનું સ્વરૂપ.
પણ તે કન્યા અલૌકિક છે, વેદ જેહેને વરણે;તે ઇંદ્રને ઇચ્છે નહીં તો, તું ને કાંહાથી પરણે.નળ કહે ઓ મહા મુનિ તે, કન્યાનું કોણ નામ;કવણ રાયની દીકરી ને, કવણ તેહનું ગામ.નારદ કહે સકળ દેશ મધ્યે, ઉત્તમા વિદર્ભ દેશ;તાંહાં રાજ્યાસન કરે છે, ભીમક નામ નરેશ.તેહને ઘેર એક તારુણી, વજ્રાતી નામ નિદાન;પુણ્યદન અપાર કીધાં, પન પેટે નહીં સંતાન.એવે સમે એક દમન નામે, આવીઓ તાપસ;આતિથ્ય કીધું તેહનું ને, જમાડ્યો ખટ રસ.ઘણા દિવસની ગઈ ક્ષુધા, ને પામીઓ સંતોષ;ત્રિકાળ જ્ઞાને જાણીઓ, રાણીનો વંઝા દોષ.પૂછીને ત્યાં ખરૂં કીધું, નિશ્ચે નહિ સંતાન;કરુણા આણી આપિયું, રાય રાણીને વરદાન.ત્રણ પુત્ર ને એક પુત્રી, હશે રૂપના ધામ;એંધાણી રાખજે એટલી, જે માહારે નામે નામ.એહેવું કહીને ઋષિજી, પામીઆ અંતરધાન;કેટલે દિવસે રાણીને પછે, આવીઆં સંતાન.દમના દંતુ દુર્દમન, દમયંતી નામ જ ધર્યા;હર્ષ પામ્યો ભૂપતિ, બાળક ચારે ઉછર્યા.દમયંતી જે દીકરી તે, મુખે વરણી ન જાય;અંગ તની તો ઉપમા, નળ કશીએ ન અપાય.
ઉપમા ન અપાય નળ મેં, એમ બોલ્યા વેણાધારી રે;નલ કહે નારદ પ્રત્યે, તેહનું રૂપ કહો વિસ્તારી રે.
Comments
Loading comments…