કડવું ૪૨

નળાખ્યાન

દેખાડી દીઘી હો, કળીએ સુંદરી; ધાયા વેપારી હો, લાવ્યા બંધન કરી.સર્વે ઠરાવી હો, અબળા શાકિણી; નળને સમરે હો, મધુર ભાષિણી.બોલ્યો અધિકારી હો, મારો સર્વે મળી; પડયા ત્રુટી હો, અબળાને નાંખી દળી.ગડદા ને પાટું હો, પહાણા ને લાકડી; એણી પેરે મારી હો, બાળા બે ઘડી.રહ્યું બોલાતું હો, કટે કાંટા પડે; બંધન ત્રુટયું હો, નહાસતી આખડે.હું વધૂ દેખી હો, પૂર્વજ લાજીયા; મુને રાખો હો, નૈષધ રાજીયા.ત્રાસે નાહાસે હો, પાછું પૂરી જુએ; રોજ માર્ગે હો, દમયંતી રુએ.અંગે ઢીમા હો, રુધિર ધારા ઝરે; બહુ સાલ ઉઠ્યા હો, અવિલોકન કરે.ઉષ્ણ જ રેણું હો, ચરણે દાઝરે; કળી પૂઠે પડીયો હો, દેવો દુ:ખ કાજેરે.નગ્ર એક આવ્યું હો, અબલા ઓહોલાસીરે; રાજ કરે છે હો, ભાનુમતી માસીરે.પુરમાં પેઠી હો, આપત અવસ્તારે; ઘેલી જાણી હો, લોક સહુ હસતારે.બાળક પૂઠે હો, ટાળી પાડેરે, શે ઢાંકે કાયા હો, રેણું ઉરાડેરે.વૈદરભી વિહીલી હો, શેરી ચહુટે ફરેરે; નાંખે કાંકરા હો, કર આડો ધરેરે.છ્જે બેઠી હો, માસી ભાનુમતીરે, મોકલી દાસી હો, તેડાવી સતીરે.

સતી તેડાવી રાણીએ, જે અબળા ઊભી રહીરે;ભાણેજે માસી ઓળખી પણ, માસીએ ભાણેજ ઓળખી નહીરે.

Comments

Loading comments…