કડવું ૪૪

નળાખ્યાન

ઈંદુમતી કહે બાઈ સાંભળ, લોકને કાં સંભળાવો;કહે વૈદરભી વણ ચોરીએ, શા માટે અકળાવો.હાથમાંથી હાર લઈને, ના કહે એમ ચાલે;તસ્કર કરીને તો બાંધે, જો વસ્તુ હાથે ઝાલે.મિથ્યા હું કહેતી નથી, કોણ માળા લે તુજ પાખે;એવી ચોરટી હું હઉં તો, રાજમાતા કેમ રાખે.માતા મારીએ માન દીધું, સતી સરખી જાણી;અસાધવી મુને કેમ ઓળખી, શુંલેતાં ગ્રહ્યો છે પાણી.અમે પરીક્ષા તારી કરી, જો ભરતારે પરહરી;બાઇ હું મેણાં જોગ થઇ, તમારા ઘરની પેટભરી.ચોરી કરવી આંખ ભરવી, એ તે ક્યાંનો ન્યાય;એવે રાજમાતા પધાર્યાં, રોઇ બંને કન્યાય.આપ આપણું દુઃખ કહે માતાને, નયણે ઢાળી આંસુ;એક કહે મારો હાર લીધો, એક કહે ચોરી ફાંસુ.ચતુર શિરોમણી રાજમાતા, અંતરમાં વિમાસે;માળા ગઇ તે મોટું અચરજ, સતીને કેમ કહેવાશે.

હરિ હું ભરતારે છાંડી, હવે દુઃખ કહું કેને માંડી;હરિ મેં કોણ પાતક કીધાં, હરિ મેં સાધુને મેણાં દીધાં.હરિ મેં રાખ્યું હોય સત્ય, જો વાહલા હોય નળપત્ય;મારા કોટિક છે અવગુણ, પણ તમો તો છો રે નિપુણ.અપરાધ સર્વ વિસારી, ચઢો વિઠ્ઠલા વહારે મારી;જો નહિ આવો જગદીશ, તો પ્રાણ મારો હું તજીશ.એવું કહિને આંખે ભર્યું જળ, અમો અબળાતણું શું બળ;એવું મનમાં ધરીયું ધ્યાન, સતીની વારે ચઢ્યા ભગવાન.અંતરજામીએ બુધ દીધી, સતીએ આંખ રાતદી કીધી;કહે માસીને કરી ક્રોધ, ફરી કરો હારની શોધ.સાખી સૂરજ વિષ્ણુને વાય, જો મેં કીધો હોય અન્યાય;બાઇ હાર તમારો જડજો, લેનારો ફાટીને પડજો.એવું કહેતામાં કળીજુગ નાઠો, ત્યારે તડાક ટોડલો ફાટ્યો;માંહે થકો પડ્યો નિસરી હાર, સતીને ત્રુઠ્યા વિશ્વાધાર.અંત્રિક્ષથી અકસ્માત, વરસ્યો હાર તણો વરસાદ;એક એકર્પે અદકાં મોતી, રાજમાતા ટગટગ જોતી.પછે દમયંતીને પાગે, રાજમાતા ફરી ફરી લાગે;બાઇ તું છે મોટી સાધ, મારો ક્ષમા કરો અપરાધ.ઇંદુમતી થઇ ઓશીયાળી, મુખડું ન દેખાડે વાળી.

વાળી મુખ દેખાડે નહીં, સત સતીનું રહ્યું રે;બૃહદશ્વ કહે યુદિષ્ઠિરને, વૈદર્ભ દેશમાં શું થયુંરે.

Comments

Loading comments…