કડવું ૪૫

નળાખ્યાન

હો હરિ સત્યતણા સંધાતી, હરિ હું કહીંએ નથી સમાતી;હરિ મારે કોણ જન્મના કરતું, પ્રભુ ચોરીથકી શું નરતું.હરિ હું શા માટે દુઃખ પામું, પ્રભુ જુઓ હું રાંકડી સામું;હરિ તને ગ્રાહથી ગજ મૂકાવ્યો, તો હું ઉપર શો રોષ આવ્યો.હરિ હું નથી દુઃખની ધીર, તમો છો વિપત સામેના વીર;હરિ તમે અપરાધ ન લાવો, હરિ તમે અનાથ બંધુ કહાવો.હરિ હું હરખે હણાઇ, હરિ હું ચોરટીમાં ગણાઇ;હરિ હું કેની ને કોણતણી, હરિ જુઓ હું રાંકડી ભણી.હરુ હું તારી સેવા ચૂકી, તો નળે વનમાં મૂકી;હરિ મેં વિપ્ર ન પૂજ્યા હાથે, તેથી શું તરછોડી નાથે.હરિ મેં શિવ ન પૂજ્યા જળે, તો શું રોતી મૂકી નળે;હરિ દોહેલે ઉદર ભરવું, હરિ મુજને ઘટે છે મરવું.

હરિ હું ભરતારે છાંડી, હવે હું દુઃખ કહું કોને માંડી;હરિ મેં કોણ પાતક કીધાં, હરિ મેં સાધુને મેણાં દીધાં.હરિ મેં રાખ્યું હોય સત્ય, જો વહાલા હોય નળપત્ય;મારા કોટિક છે અવગુણ, પણ તમો છો રે નિપુણ.અપરાધ સર્વ વિસારી, ચઢો વિઠ્ઠલા વહારે મારી;જો નહિ આવો જગદીશ, તો પ્રાણ મારો હું તજીશ.એવું કહિને આંખે ભર્યું જળ, અમો અબળાતણું શું બળ;એવું મનમાં ધરીયું ધ્યાન, સતીની વારે ચઢ્યા ભગવાન.અંતરજામીએ બુધ દીધી, સતીએ આંખ રાતડી કીધી;કહે માસીને કરી ક્રોધ, ફરી કરો હારની શોધ.સાખી સૂરજ વિષ્ણુ ને વાય, જો મેં કીધો હોય અન્યાય;બાઇ હાર તમારો જડજો, લેનારો ફાટી પડજો.એવું કહેતાંમાં કળીજુગ નાઠો, ત્યારે તડાક ટોડલો ફાટ્યો;માહે થકો પડ્યો નિસરી હાર, સતીને ત્રુઠ્યા વિશ્વાધાર.અંત્રિક્ષથી અકસ્માત, વરસ્યો હારતણો વરસાદ;એક એકપેં અદકાં મોતી,રાજમાતા ટગ ટગ જોતી.પછે દમયંતીને પાગે, રાજમાતા ફરી ફરી લાગે;બાઇ તું છે મોટી સાધ, મારો ક્ષમા કરો અપરાધ.ઇંદુમતી થઇ ઓશીયાળી, મુખડું ન દેખાડે વાળી.

વાળી મુખ દેખાડે નહી, સત સતીનું રહ્યું રે;બૃહદશ્વ જહે યુધિષ્ઠિરને, વૈદર્ભ દેશમાં શું થયુંરે.

Comments

Loading comments…