કડવું ૪૬
નળાખ્યાન
બૃહદશ્વજી કહે કથારે, સુણો ધર્મ ભૂપાળ;સુદેવ સાંચર્યોરે, લેઇને તે બંને બાળ.માધવી કેશવીરે, સખી દમયંતીની જેહ;શોભે સાહેલડીરે, જેમ પ્રાણ વહોણી દેહ.કુંદનપુર આવિયારે, ઋષિ સખી ને સૂત;દેખીને દોહેલારે, ભીમકે જાણ્યું થયું અકૃત.
છોરુ છેહ પામીયારે, રાયે હૃદયાસું લીધાં;માબાપે મૂકીયારે, દીસે દામણાં બીધાં.સુદેવ શોકે ભર્યોરે, દુઃખે દાધી દાસીની જોડી;મીટે મીટ મળીરે, મોટે સ્વર રુદન મૂક્યાં છોડી.જાતાં જામાત્રનેરે, જાણ્યું જોગી થઇને જાવું;સજન સાંભર્યું રે,માડ્યું નળના ગુણનું ગાવું.પૂછે વજ્રાવતીરે, બોલો સૂત સાહેલી;દીકરી ક્યાં ગઇરે, બે બાળકડાંને મેલી.નાથ નૈષધતણોરે, ગયો માયા ઉતારી;સુદેવે વાર્તારે, ભૂપને કરી વિસ્તારી.વિલપે વિદર્ભપતીરે,નિઃશ્વાસે સાગર સૂકે;ભીમકની ભામિનીરે, બાળક હૃદેથી નવ મૂકે.કુટુંબ ટોળે મળીરે, ભૂમિ સ્વયંવરની નીરખે;દમયંતીએ ય્હાં નળ વર્યોરે, હીડ્યાંનાં પગલાં પરખે.રાણી કહે રાયજીરે, ફરી શોધ પૂજ્યની કીજે;જમાઇજી નવ જડેરે, તો આપણ જોગવટો લીજે.શોધી કહાડો સર્વથારે, જો મારું જીવવું જાણો;દીકરી મળ્યા વિનારે, મુખે નવ મૂકું જળ દાણો.ભીમકે મોકલ્યારે, સેવક સહસ્ત્ર એક;ખપ કરી ખોળજોરે, કહાડજો ક્ષિતિ કેરો છેક.ઉડતી વાર્તારે, ભીમકે સાંભળી કાન;દમયંતી એકલીરે, નળે રોતી મૂકી રાન.વણજારે કહ્યુંરે,અમે દીઠી સરિતાને તીર;રુપ ઘણું હતુંરે, જાણ્યું શક્તિનું શરીર.કેશ છૂટા હતારે, વસ્ત્ર તે અડધું અંગ જાણ;વાત ખરી મળીરે, વદતી હતી નળ નળ વાણ.માતા વિલપે ઘણુંરે,દુઃખે દાધું અંતઃકર્ણ;મેળાવો ક્યાં હશેરે, દીકરી રવડી પામશે મર્ણ.વજ્રાવતી માતનેરે, નીર આવે નેણુ અષાડ;પુત્રીને શોધવારે, સુદેવને ચહડાવ્યો પાડ.
પાડ ચહડાવ્યો સુદેવને, કહે રાણીને રાયરે;ગુરુજી તમ વિના અર્થ ન સરે, એમ કહી લાગ્યાં પાયરે.
Comments
Loading comments…