કડવું ૪૯

નળાખ્યાન

કાયા કુસુમરુપે કિંકરીને, દેખી દાધો સુદેવ;અજાણ્યાં થઇને ઇહાં રહ્યા, થઇ દાસી કીધી સેવ.અન્યોન્યે વાત પૂછીને, હૃદયે પામ્યાં શોક;રાજમાતા સુબાહુને, સુદેવે દીધો દોષ.માસી મૂર્ચ્છા પામિયાં રે, હવો હાહાકાર;દમયંતી પરદાસત્વ ભોગવ્યું,પ્રીછ્યો નહિ પરિવાર.રાજમાતા લજ્જા પામ્યાંરે, આવ્યાં દમયંતી પાસ;દીકરી દુઃખે દહાડા નિર્ગમ્યારે, વરત્યાં થઇને દાસ.અધર્મ આળ ચહડાવિયુંરે, ઓછું આપ્યું અન્ન;ભોજન પેટ ભરી નવ પામિયાંરે, વસતું લેખ્યું વંન.છબીલી તું મુજને છાનું કહેત, તો નિશ્ચય ન પ્રગટત નેટ;પરાધીન પિંડ પોખિયોરે, પરવશ ભરિયું પેટ.

રત્ન મારી દીકરી, મેં ગણી ઠીકરી;વૈદરભી વિપત વેઠી ઘણીરે,ખોયું વપુનું વાન.દાસપણે રહી બાપડીરે, તેણે દુઃખે હું બાળી;દુર્બળ દારિદ્ર્‍ય જણાવિયુંરે,નહીં વાલની વાળી.સુવાને કાજે સાથરોરે, વસ્ત્ર પહેરવાને જાડું;શીતળ નીરે નાહી દીકરી ને, નહીં નેહેરીને નાડું.દાધું કલેવર મારુંરે, ચીરી કોયલા કહાડું;ફુલફુલી મારી દીકરીરે, અન્ન જમી દીધું ટહાડું.હવે જીવીને શું કરંરે, વિષ ખાઇને પોહોડું;થઇ ગોઝારી બેન આગળેરે,શું દેખાડીશ મોહોડું.ઈંદુમતી મુખ સંતાડવીરે, હું થઇ છેક છછોરી;હું ભુંડી ભવોભવ વાર્તારે, ચહડાવી હારની ચોરી.લજ્જા સાગરમાં બૂડી ગયોરે, મસીઆઇ જે સુબાહુ;સુત સૂરજને આવી ગ્રસ્યોરે, અપરાધ રુપીઓ રાહુ.એમ ઓશિઆળાં સર્વ થયારે, બોલી દમયંતી વાણ;માસી તમ ઘેર સુખ પામી ઘણુંરે, સાખી સારંગપાણ.દોહેલા દહાડા ઉતર્‍યારે, રહી મારી લાજ;પુત્રી સરખી હું ગણીરે, ન દીધું નીચું કાજ.માસી ભાણેજ બન્યો મળ્યાંરે, ઓળખ્યાનાં આલિંગન;શત સહસ્ત્ર સ્વાગત માડી પછેરે, માન્યો ઘણું મુનિજંન;વસ્ત્ર વાહન આપિયારે, વિનવિયો વિપ્રરાય;ઘણુંએક દમયંતીને આપ્યુંરે, માસી લાગી પાય.સુબાહુ સાથે મોકલ્યોરે, વળાવ્યાં કુન્દનપૂર;સુખ શોભાએ જાયે સુંદરીરે,પંથ ઘણા છે દૂર;ભાનુમતી ભેટી ઘણુંરે, દીકરી મારી સાધ.તું છો છત્રપતીની અંગનારે, મારો ક્ષમા કરો અપરાધ.પાગે લાગી માગી આજ્ઞારે, બેસી ખેડી સુખપાલ;બેન માસી જાતાં માગીયુંરે; વૈદરર્ભી રાખે વહાલ.

વહાલ રાખે વૈદરભી, ક્ષેમે મળજો નૈષધધણીરે;થોડે કાળે પ હોંતી પ્રેમદા, પીયર ગઇ વધામણીરે.

Comments

Loading comments…